સ્ટેમ્પ ડ્યૂટીની આવકથી મહારાષ્ટ્ર સરકારની તિજોરી છલકાઈ, પણ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ વર્ષે રેડી-રેકનરના ભાવમાં વધારો ઝીંકવામાં આવે નહીં તેવી શક્યતા છે. કોરોનાકાળ બાદ મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં ઘરની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. તેવામાં હવે ચૂંટણી આવી રહી હોવાથી આ વર્ષે રેડી-રેકનરના દર સ્થિર રાખવામાં આવશે, તેવી આશા સેવાઇ રહી છે.
મળેલી જાણકારી મુજબ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 10,967 ઘરનું વેચાણ થયું હતું અને તેનાથી રાજ્ય સરકારને 760 કરોડ રૂપિયાની આવક સ્ટેમ્પ ડ્યૂટીના રૂપમાં થઇ હતી. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 11,836 ઘરનું વેચાણ થયું હતું અને તેનાથી સરકારને 869 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
મુંબઈ શહેરમાં માર્ચ મહિનામાં જ 13,495 ઘરનું વેચાણ થયું હતું અને તેના કારણે 1066 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ રકમ ગયા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની તુલનામાં ઘણી વધુ છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે માર્ચ મહિનામાં ઘરોના વેચાણમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ માર્ચ 2022 અને 2021ની તુલનામાં 2024માં માર્ચ મહિનામાં ઘરોનું વેચાણ ઓછું થયું છે. જોકે, ઘરોના વેચાણની સંખ્યા સંતોષજનક હોવાનું રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આખા વર્ષમાં મુંબઈમાં કુલ 1.32 લાખ ઘરોનું વેચાણ થયું હોવાનું પણ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ સ્ટેમ્પ ડ્યૂટી 2022 સુધી પાંચ ટકા હતી. એપ્રિલ 2022થી તેના ઉપર એક ટકાનો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો હતો. મમુંબઈ મહાપાલિકાની બહાર મહામુંબઈ ક્ષેત્રમાં છ ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકા મેટ્રો સરચાર્જ લાગુ કરવામાં આવેલ છે.