આમચી મુંબઈ

કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું તેમના ગામમાં સ્મારક બનાવવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર સતારા જિલ્લાના મૌજે કેડાંબે ગામમાં તેમના માનમાં એક ભવ્ય સ્મારક બનાવવા જઈ રહી છે, જેના માટે 13.46 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટના 2.70 કરોડ રૂપિયા એટલે કે 20 ટકાની પહેલી રકમ વહીવટીતંત્રને આપી દીધી છે, જેથી સ્મારકનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે.

26/11ના મુંબઈ હુમલા દરમિયાન, બહાદુર મુંબઈ પોલીસ અધિકારી તુકારામ ઓંબલેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 2008ની રાત્રે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલો કરવા આવેલા આતંકવાદીઓમાંથી ફક્ત અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને પકડવામાં તુકારામ ઓંબલેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

26 નવેમ્બર 2008ના રોજ જ્યારે 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો ત્યારે આખું મુંબઈ ગભરાઈ ગયું હતું. આમાંથી બે આતંકવાદીઓ છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. એક અજમલ કસાબ અને બીજો અબુ ઇસ્માઇલ. પોલીસે આતંકવાદીઓને પકડવા માટે છટકું બિછાવ્યું અને ગિરગાંવ ચોપાટી પર બેરિકેડ લગાવી દીધા. આતંકવાદીઓની કાર બેરિકેડ નજીક આવતાની સાથે જ પોલીસે ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં અબુ ઇસ્માઇલ માર્યો ગયો. અજમલ કસાબ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો, પરંતુ તુકારામ ઓંબલેએ પોતાના જીવની પરવા કર્યા વિના તેના પર હુમલો કર્યો અને તેની એકે-47 છીનવી લીધી.

આ પણ વાંચો :26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના હેડલી અને પાકિસ્તાની કનેક્શનની અજાણી વાતો જાણો

કસાબ સતત ગોળીબાર કરતો રહ્યો, પરંતુ ઓંબલેએ કસાબની બંદૂક મજબૂતીથી પકડી રાખી, જેના કારણે અન્ય પોલીસકર્મીઓને તેને જીવતો પકડવાની તક મળી. ગોળી લાગવાથી તુકારામ ઓંબલે શહીદ થયા હતા, પરંતુ તેમની બહાદુરીને કારણે ભારતે એકમાત્ર આતંકવાદીને જીવતો પકડી લીધો, આમ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button