સરકાર ‘બેશરમ અને લાચાર’, રમી રમનારા પ્રધાનને રમતગમત ખાતું આપ્યું: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર ‘બેશરમ અને લાચાર’ છે અને વિધાનસભામાં મોબાઇલ ફોન પર રમી રમતા પકડાયેલા પ્રધાનને બરતરફ કરવાને બદલે રમતગમત વિભાગ આપી રહી છે, એવી ટીકા રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શુક્રવારે કરી હતી.
લોકમાન્ય બાળ ગંગાધર તિલકને તેમની પુણ્યતિથિ અને લોક કવિ અણ્ણાભાઉ સાઠેને તેમની જન્મતિથિ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મીડિયાને સંબોધતાં, સપકાળે રાજ્ય સરકારની ‘દંભ અને નૈતિક નિષ્ફળતા’ હોવાનો દાવો કરતા આકરા પ્રહારો કર્યા હતા.
આપણ વાંચો: રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
‘એક મહત્વપૂર્ણ વિધાનસભા સત્ર દરમિયાન પ્રધાન રંગે હાથે રમી રમતા પકડાયા હતા. તેમને બરતરફ કરવાને બદલે, સરકારે તેમને રમતગમત ખાતું આપ્યું છે. આ સજા નથી, તે તો એક પ્રકારે તેમનું સન્માન છે. કદાચ હવે તેઓ રમીને ઓલિમ્પિક રમત તરીકે સામેલ કરવાની ભલામણ કરશે અને તેમને શિવ છત્રપતિ પુરસ્કાર પણ આપશે,’ એમ સપકાળે કહ્યું હતું.
સપકલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહાર કર્યા, અને તેમના પર ન્યાયિક ચુકાદાઓ પર પસંદગીયુક્ત ટિપ્પણી કરીને પદના શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…
‘ફડણવીસે અનૈતિક અને ગેરબંધારણીય રીતે કાર્ય કર્યું છે. તેઓ એક કેસમાં ન્યાયની વાત કરે છે અને બીજા કેસમાં તેને અવગણે છે. તે તેમના શપથ સાથે વિશ્ર્વાસઘાત છે અને તેમના બેવડા વલણનું પ્રતિબિંબ છે,’ એમ સપકાળે કહ્યું હતું.
કોંગ્રેસના નેતાએ સામાજિક ન્યાય અને આદિજાતિ કલ્યાણ વિભાગના ભંડોળને લાડકી બહિણ યોજના જેવી યોજનાઓ તરફ વાળવાની પણ ટીકા કરી હતી અને તેને નિયમોનું ઉલ્લંઘન અને બંધારણીય જોગવાઈઓનો દુરુપયોગ ગણાવ્યો હતો.