મનોજ જરાંગે માટે મહારાષ્ટ્ર સરકારે ‘આ’ એવોર્ડ આપવાની કરી જાહેરાત
મુંબઈ: વર્ષ 2024માં જે લોકોને ‘મરાઠા ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તેમની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં મરાઠા અનામત માટે આંદોલન કરનારા ચળવળકાર મનોજ જરાંગેનું નામ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના મરાઠા સમુદાય સાથે મુંબઈમાં વિશાળ મોરચો કાઢી હતી અને આંદોલન કર્યું હતું. હાલ પણ તેઓ સરકાર પોતાની માગણીઓ પૂરી કરે એ માટે આમરણ ઉપવાસ પર બેઠેલા છે. મનોજ જરાંગે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ 19મી ફેબ્રુઆરીએ મરાઠા ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે. આ સિવાય માથાડી નેતા નરેન્દ્ર પાટીલને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ પુરસ્કાર મરાઠા સમાજના મહત્ત્વના આગેવાનો અને મુખ્ય વ્યક્તિઓને આપવામાં આવે છે. ઉક્ત ત્રણેયને આ એવોર્ડ આપવામાં આવશે, તેવી જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે. જોકે, એકનાથ શિંદેને એવોર્ડ આપવાનું કારણ જણાવતા આયોજકોએ કહ્યું હતું કે તેમને મુખ્ય પ્રધાન હોવાના કારણે નહીં, પણ મરાઠા આગેવાન તરીકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.
બીજી બાજ મનોજ જરાંગેના અનશનનો ગુરુવારે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે અને તેમની હાલત કથળી હોવાના અહેવાલ પણ હતા. એવામાં એમને આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.