મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી
ધોરણ 12 પાસ માટે રૂ. 6,000 અને સ્નાતકો માટે રૂ. 10,000ની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચુંટણી પહેલાં એક મહત્વપૂર્ણ પગલામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિદ્યાર્થીઓ અને તાજેતરના સ્નાતકોને લાભ આપવાના હેતુથી નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે. પંઢરપુરમાં અષાઢી એકાદશીના દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ 12મું પાસ વિદ્યાર્થીઓને માસિક રૂ. ૬૦૦૦નું સ્ટાઈપેન્ડ મળશે. જ્યારે ડિપ્લોમા વિદ્યાર્થીઓને રૂ. 8,000 દર મહિને. સ્નાતકોને રૂ.૧૦,૦૦૦ના માસિક ભથ્થા સાથે સૌથી વધુ ફાયદો થવાનો છે. યુવાનોને વિવિધ શૈક્ષણિક તબક્કાઓ પર ખૂબ જ જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા, વધુ સારી રોજગારીની તકોને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ પૂરું કરીને તેઓ કમાતા થાય ત્યાં સુધી સમયગાળામાં આનાથી મદદ મળશે.
મહારાષ્ટ્ર સરકારના આ વ્યૂહાત્મક પગલાને વિદ્યાર્થીઓ અને સ્નાતકો દ્વારા સામનો કરવામાં આવતા આર્થિક પડકારોને પહોંચી વળવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શિક્ષણ અને કારકિર્દીના પ્રારંભિક વિકાસ સાથે સંકળાયેલા કેટલાક નાણાકીય બોજને દૂર કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને વ્યાવસાયિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ, રાજ્યમાં યુવાનોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરતી આ પહેલ રાજકીય વર્તુળોમાં મુખ્ય ચર્ચાનો મુદ્દો બનવાની અપેક્ષા છે. આ પહેલાં બજેટમાં રાજ્યની મહિલાઓ માટે આર્થિક સહાય યોજના લાગુ કરવામાં આવી હતી.