આવો દિવસ ભગવાન કોઇને ના દેખાડે… પોતાના બાળકોના મૃતદેહ લઇને માતા-પિતાએ 15 કિમી ચાલવું પડ્યું
ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પાકા રસ્તાઓ નથી, તેથી માંદગીની સારવાર માટે કોઇ વાહનમાં આવી કે જઇ શકાતું નથી. એવામાં માંદગીની સારવાર માટે લોકો ભૂવા, પુજારી જેવાઓને સાધવા મજબૂર છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તાવની સારવાર માટે ડૉક્ટરને બદલે પૂજારી પાસે ગયેલા બે નાના ભાઈ-બહેનનું થોડા જ કલાકોમાં શંકાસ્પદ મોત થયું હતું. તેમને એમ્બ્યુલન્સ કે કોઇ વાહન સેવા નહીં મળવાથી મૃતદેહને ખભા પર નાખીને 15 કિમી ચાલીને ઘરે પહોંચવાનો વારો આવ્યો હતો.
આ ઘટના ગઢચિરોલીના અહેરી તાલુકાના પટ્ટીગાંવ ખાતે બની છે. મૃતદેહને ખભા પર લઈ જવાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકોના નામ બાજીરાવ વેલાડી (ઉંમર 6) અને દિનેશ વેલાડી (ઉંમર સાડા ત્રણ વર્ષ) છે. પેટીગાંવ તેમનું વતન છે. 4 સપ્ટેમ્બરે બાજીરાવને તાવ આવ્યો હતો. બાદમાં દિનેશ પણ બીમાર પડ્યો હતો. માતા-પિતા તેને પટ્ટીગાંવ ( ગઢચિરોલી ) વિસ્તારમાં એક પૂજારી પાસે લઈ ગયા. ત્યાં તેમને જડીબુટ્ટીઓ આપવામાં આવી હતી. થોડા સમય પછી બંનેની હાલત વધુ બગડી. દરમિયાન સવારે સાડા દસ વાગ્યે બાજીરાવનું અવસાન થયું, તો દિનેશનું પણ બપોરે 12 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. છેલ્લા ઉપાય તરીકે, માતા-પિતા બંનેને નજીકના જીમલગટ્ટા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરે નજીકના ગામમાંથી એમ્બ્યુલન્સ સુવિધાની ઓફર કરી, પણ આરોગ્ય કેન્દ્રથી તેમના ગામ સુધી પાકો રસ્તો ના હોવાથી પોતાના બંને બાળક ગુમાવી ચુકેલા માતા-પિતાએ ખભા પર જ તેમના વહાલા બાળકોના મૃતદેહ નાંખી ગામની વાટ પકડી હતી.
આ ઘટના બાદ ફરી એક વાર ગઢચિરોલી જિલ્લામાં આરોગ્ય સેવાઓ, નબળી સંચાર વ્યવસ્થા અને પાયાની સુવિધાઓનો અભાવ ઉજાગર થયો છે. આ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધાનો ભરડો ફેલાયેલો છે, જે ખરેખર ચિંતાજનક છે.