આચારસંહિતામાં કાર્યવાહી; 24 કલાકમાં 52 કરોડની રોકડ-માલસામાન જપ્ત
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા પછી ઠેકઠેકાણે નાકાબંધી કરી ગેરરીતિ રોકવાનો પ્રયાસ વિવિધ કાનૂની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલામાં બાવન કરોડ રૂપિયાનો માલસામાન-રોકડ જપ્ત કરવામાં આવી હતી. બીજી બાજુ, પુણેમાં એક ટેમ્પોમાંથી અંદાજે 139 કરોડ રૂપિયાના મૂલ્યનું સોનું મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ 15 ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી અત્યાર સુધીમાં રાજ્યમાં 19 કાનૂની એજન્સીઓ દ્વારા 90.74 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી છે.
ગુરુવારે એક નિવેદનમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ, ઈન્કમ ટૅક્સ, રેવેન્યૂ ઈન્ટેલિજન્સ, નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગો સહિતની એજન્સીઓએ મુંબઈ, નાગપુર અને રત્નાગિરિમાં આ કાર્યવાહી કરી હતી.
ચૂંટણી પંચની સીવિજિલ ઍપ પર આચારસંહિતા ભંગની 1,144 ફરિયાદ આવી હતી, જેમાંથી 99 ટકાનો ઉકેલ લાવવામાં આવ્યો છે, એવું નિવેદનમાં જણાવાયું હતું.
ચૂંટણી પંચે આચારસંહિતાનો ભંગ થતો હોય તો તેની જાણકારી આપવા માટે સીવિજિલ મોબાઈલ ઍપ રજૂ કરી છે. રાજ્યમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. દરમિયાન ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી)ના અધિકારીઓએ પુણેના સહકાર નગર પરિસરમાંથી એક ટેમ્પોને આંતરી 139 કરોડ રૂપિયાનું સોનું પકડી પાડ્યું હતું. આ સોનાના માલિકો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઝોન-2નાં ડેપ્યુટી પોલીસ કમિશનર સમર્તના પાટીલે જણાવ્યું હતું કે શંકાને આધારે સિક્વલ ગ્લોબલ પ્રિસિયસ લૉજિસ્ટિક્સના ટેમ્પોને શુક્રવારની સવારે 8 વાગ્યાની આસપાસ રોકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પોમાંની ગૂણીમાંથી બૉક્સ મળી આવ્યાં હતાં. આ બૉક્સમાં સોનાના દાગીના અને સોનું હોવાનું જણાયું હતું. આ ટેમ્પો મુંબઈથી આવ્યો હતો અને તેના ડ્રાઈવર તેમ જ ક્લીનર પાસે સોના અંગે કોઈ માહિતી ન હોવાથી આવકવેરા વિભાગ અને ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવી હતી.
જ્વેલરી ફર્મ પી. એન. ગાડગિલ ઍન્ડ સન્સના સીઈઓ અમિત મોડકે જણાવ્યું હતું કે ટેમ્પોમાંથી મળી આવેલું સોનું અને દાગીના પુણેની અલગ અલગ જ્વેલરી શૉપ્સનું છે, જેમાંથી 10 કિલો સોનાનું બૉક્સ તેમની કંપનીનું છે.
દરેક દાગીના સાથે જીએસટી બિલ પણ છે. જોકે બૉક્સમાં શું છે તેની ડ્રાઈવરને જાણ કરાઈ નહોતી. તે અંગે માત્ર મોકલનારા ઝવેરી અને સ્વીકારનારા ઝવેરીને જ જાણ હતી. અમારી શાખાઓ દ્વારા સોનાના જૂના દાગીના પણ અમને મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત, તેમાં એકથી દોઢ કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલરી પણ તેમાં હતી, એવું મોડકે જણાવ્યું હતું. (PTI)