મહારાષ્ટ્ર ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવારો હતી મેદાનમાં, જાણો કેટલી વિજેતા બની…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા હતા. જીતમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં મહિલાલક્ષી યોજનાઓએ પણ ભાગ ભજવ્યો હતો. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં ‘કી ફેક્ટર’ સાબિત થઈ હતી.
આ પણ વાંચો : ‘ભલે અજિત પવારની જીત, NCP મારી જ છે’, જાણો શરદ પવારે રાજકીય સંન્યાસ પર શું કહ્યું?
રાજ્યોમાં રાજકીય પક્ષો મહિલા-કેન્દ્રીત કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી રહ્યા છે અને તેના કારણે મહિલા મતદારોનો મજબૂત સપોર્ટ મળ્યો હતો. મહિલા મતદારો રાજકીય પક્ષો માટે મજબૂત વોટ બેંક સાબિત થઈ હતી. ઝારખંડ અને મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રાજકીય પરિણામોને આકાર દેવામાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકા છે, જે આ બંને રાજ્યોના પરિણામો પરથી સાબિત થયું હતું.
કેટલી મહિલાઓ વિજેતા બની
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં માત્ર 8.8 ટકા મહિલા ઉમેદવાર જ મેદાનમાં ઉતરી હતી અને તેમાંથી ખૂબ ઓછી જીતી હતી. વર્ષ 2019માં 24 મહિલાઓ વિજેતા બની હતી, જ્યારે આ વખતની ચૂંટણીમાં સંખ્યા ઘટીને 22 થઈ હતી. રાજ્યમાં બંને ગઠબંધન તરફથી મેદાનમાં ઉતારવામાં આવેલી 55 મહિલા ઉમેદવારોમાંથી મહાયુતિની 21 મહિલા ઉમેદવારો જીતી હતી, જ્યારે મહાવિકા અઘાડીની માત્ર એક જ મહિલા વિજેતા બની હતી.
કુલ કેટલી મહિલાઓ ઉતરી હતી ચૂંટણી મેદાનમાં
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી માત્ર 363 મહિલાઓ હતી. કુલ ઉમેદવારોના 10 ટકાથી પણ ઓછી મહિલાઓ મેદાનમાં ઉતરી હતી. આ આંકડો 2019ની વિધાનસભા ચૂંટણી કરતાં થોડો વધારે છે. સૌથી વધુ મહિલા ઉમેદવારો મુંબઈમાં 39 હતા. જે બાદ થાણેમાં 33, પુણેમાં 21, નાસિકમાં 20 અને નાગપુરમાં 16 મહિલા ઉમેદવારો હતા. જ્યારે 97 સીટ પર એક પણ મહિલા ઉમેદવાર નહોતા.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
મહિલા-પુરુષ મતદારોમાં નથી વધારે તફાવત
ચૂંટણી પંચના આંકડા મુજબ, પુરુષ અને મહિલા મતદારો વચ્ચેનું અંતર થોડું ઓછું થયું છે. 2024 વિધાનસભા ચૂંટણીમાં 65.2 ટકા મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 66.8 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. એટલે કે બંને વચ્ચે માત્ર 1.63 ટકાનું જ અંતર છે. 2019ની ચૂંટણીમાં 59.2 ટકા મહિલા અને 62.8 ટકા પુરુષોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.