હવે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકારની પાછળ પડ્યું, આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરશે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભા ચૂંટણીની આચારસંહિતા જારી થયા બાદ પણ મહાગઠબંધન સરકારે મંગળવારે 200થી વધુ સરકારી નિર્ણયો જારી કર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ મહારાષ્ટ્ર સરકાર સામે તપાસ શરૂ કરવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરશે. ચોકલિંગમે એમ પણ જણાવ્યું હતું કે આમાં કોઇ પક્ષપાત કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.
એમ જાણવા મળ્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ પણ વિધાન સભ્યોને ભંડોળ ફાળવણી સાથે વહીવટી પ્રોજેક્ટને મંજૂરી, બદલીઓ અને નિમણૂકો માટેના સરકારી નિર્ણયો જારી કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેની સત્તાવાર વેબસાઇટ પર લગભગ 200 સરકારી દરખાસ્તો, નિમણૂકો અને ટેન્ડરો જાહેર કર્યા હતા. આચારસંહિતા લાગુ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસ તરફથી રાજ્ય સરકારને ઈ સરકારી નિર્ણય, ઓર્ડર અને ટેન્ડર પ્રકાશિત ન કરવા માટે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો, પણ મહારાષ્ટ્ર સરકારે તેની અવગણના કરી હતી.
રાજ્ય સરકારે ચૂંટણી કમિશનના આદેશની અવગણના કરી અને મંગળવારની રાત અને બુધવારે સવાર પછી ઘણા નિર્ણયો જાહેર કર્યા હતા. ચૂંટણી પંચે જ્યારે આ અંગે જ્યારે નારાજગી વ્યક્ત કરી ત્યારે સરકારે વેબસાઇટ પર અપલોડ કરેલા ઘણા નિર્ણયોને ઉતાવળે હટાવી દીધા હતા. હવે આ અંગે એસ. ચોકલિંગમે જણાવ્યું હતું કે અમે અપલોડ કરાયેલી સરકારી દરખાસ્તોના સમયની તપાસ કરીશું અને તપાસ કરીશું કે તેમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં?
આ વખતે મહારાષ્ટ્રમાં વિધાન સભાની 288 બેઠકો માટે ચૂંટણી એક જ તબક્કામાં 20મી નવેમ્બરે યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.