Assembly Election Special: મળી લો રાજકીય નેપોટિઝમનાં ફરજંદોને…
સગાંવાદ ફક્ત બોલિવૂડ સુધી જ મર્યાદિત નથીઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નેતાઓના સંબંધીઓને ટિકિટની લહાણી કરાઈ છે...

મુંબઈ: રાજકીય પક્ષો વારંવાર પ્રતિસ્પર્ધીઓ પર વંશવાદી રાજકારણનો આરોપ લગાવતા હોય છે. ચૂંટણી દરમિયાન તેઓ તેમના સ્થાપિત નેતાઓના સંબંધીઓને મેદાનમાં ઉતારવામાં બિલકુલ છોછ નથી અનુભવતા. આગામી વિધાનસભામાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની જાહેર થયેલી પહેલી યાદી દર્શાવી રહ્યું છે કે નેપોટિઝમ (સગાવાદ કે ભાઈ-ભત્રીજાવાદ-Nepotism) ફક્ત બોલિવૂડ પૂરતો મર્યાદિત નથી.
આ પણ વાંચો : Maharashtra Election 2024: બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, NCPએ આપી આ બેઠક પરથી ટિકિટ
રાજ્યના મોટા ભાગના અગ્રણી રાજકીય પક્ષોએ અત્યાર સુધીમાં ૨૦મી નવેમ્બરે યોજાનારી ૨૮૮ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે, જે એવું દર્શાવે છે કે દાવેદારોની નોંધપાત્ર સંખ્યા વર્તમાન પ્રધાન, વિધાનસભ્યો અને સાંસદો સાથે નજીકથી સંબંધ ધરાવે છે, જેમાં તેમના પુત્ર કે પુત્રી, પત્ની કે પછી ભાઈ અથવા બહેનનો સમાવેશ થાય છે.

શ્રીજયા ચવ્હાણ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અશોક ચવ્હાણનાં પુત્રી છે. તેઓ ભાજપમાંથી નાંદેડ જિલ્લાના ભોકરના પરિવારના પરંપપરાગત મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનાં છે.

વિનોદ શેલાર: મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારના ભાઈ છે. ભાજપે તેમને મલાડ પશ્ર્ચિમ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આશિષ શેલારને બાંદ્રા પશ્ર્ચિમની બેઠક પરથી ફરીથી ઉમેદવારી આપી છે.

પ્રતિભા પાચપૂતે: ભાજપે શ્રીગોંડા વિધાનસભા મતવિસ્તાર (અહિલ્યાનગર જિલ્લા)માંથી તેમના વર્તમાન વિધાનસભ્ય બબનરાવ પાચપૂતેને તેમની નાદુરસ્ત તબિયતની સમસ્યાઓને કારણે તેમનાં પત્ની પ્રતિભા પાચપૂતેને ઉમેદવારી આપી છે.

સુલભા ગાયકવાડ: થાણે જિલ્લાના કલ્યાણ પૂર્વ મતવિસ્તારના વિધાનસભ્ય ગણપત ગાયકવાડને સ્થાને તેમની પત્ની સુલભા ગાયકવાડને ભગવાએ આ વખતે એ જ મતવિસ્તારમાંથી નામાંકિત કર્યાં છે. ગાયકવાડ હાલમાં થોડા મહિના પહેલાં એક પોલીસ સ્ટેશનમાં શિવસેનાના કાર્યકર પર ગોેળીબાર કરવાના કેસમાં જેલમાં છે.

નીતેશ રાણે: ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને સાંસદ નારાયણ રાણેના દીકરા છે. નીતેશ રાણે પહેલાંથી જ કણકવલી વિધાનસભા મતવિસ્તારના સિટિંગ વિધાનસભ્ય છે. તેમના મોટા ભાઈ ભૂતપૂર્વ સાંસદ નીલેશ રાણે સત્તાધારી શિવસેનામાં જોડાઇ ગયા છે અને સિંધુદુર્ગ જિલ્લામાં પરિવારનું ઘર ગણાતા કુડાલ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાના છે.

શંકર જગતાપ: પુણે જિલ્લાના ચિંચવડ મતવિસ્તારમાં ભાજપે પક્ષના દિવંગત નેતા લક્ષ્મણ જગતાપનાં પત્ની સિટિંગ વિધાનસભ્ય અશ્ર્વિની જગતાપને ઉમેદવારી નથી આપી, પણ તેને સ્થાને તેમના ભાઈ શંકર જગતાપને તક આપી છે. શંકર જગતાપ પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે.

કિરણ સામંત: એકનાથ શિંદેની આગેવાની હેઠળ રત્નાગિરિ જિલ્લાની રાજાપુર બેઠક પરથી રાજ્યપ્રધાન ઉદય સામંતના ભાઈ કિરણ સામંતને ઉમેદવારી આપી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજન સાલવીને ટિકિટ આપી છે.

વિલાસ ભુમરે-મનીષા વાયકર: આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા શિવસેનાના નેતાઓ સંદીપન ભુમરે અને રવીન્દ્ર વાયકરના પરિવારના સભ્યોને પણ પક્ષ દ્વારા સંબંધિત મતવિસ્તારમાંથી તક આપવામાં આવી છે. ભુમરેના પુત્ર વિલાસને છત્રપતિ સંભાજીનગર જિલ્લાના પૈઠણથી, જ્યારે વાઈકરનાં પત્ની મનીષા વાઈકરને જોગેશ્વરી પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે.

પંકજ ભુજબળ: અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા છગન ભુજબળના પુત્ર છે. આ મહિનાની શરૂઆતમાં જ પક્ષના એમએલસી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. તેઓ નાશિક જિલ્લાની યેવલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.
સમીર ભુજબળ: છગન ભુજબળના ભત્રીજા છે. સમીર પણ ચૂંટણી લડવા માટે ઉત્સુક હોઇ નાશિકના નંદગાંવ મતવિસ્તારમાંથી સેનાના વર્તમાન વિધાનસભ્ય સુહાસ કાંડે સામે અપક્ષ ઉમેદવાર તરીકે લડવાના છે.

આદિત્ય ઠાકરે-વરુણ સરદેસાઈ: આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ના પુત્ર છે અને તેઓ મુંબઈની વરલી બેઠક પર ફરી એક વાર ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે તેમના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ બાંદ્રા પૂર્વથી પ્રથમ વાર ચૂંટણી લડશે.

સુનીલ રાઉત: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના ભાઈ છે. તેમને વિક્રોલી બેઠક પરથી ઉમેદવારી આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અહીંની સીટ પરથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ વિશ્વજિત ઢોલમને ટિકિટ આપવામાં આવી છે.

રોહિત પાટીલ: ભૂતપૂર્વ ગૃહપ્રધાન સ્વર્ગસ્થ આર. આર. પાટીલના પુત્ર છે. તેમણે ગુરુવારે સાંગલી જિલ્લાના તાસગાંવ-કવથે મહાંકલ મતવિસ્તારમાંથી એનસીપી (શરદ પવાર) ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

અમિત ઠાકરે: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વડા રાજ ઠાકરેના પુત્ર છે. મુંબઈના માહિમ વિસ્તારમાંથી તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજ ઠાકરે ક્યારે પણ ચૂંટણી લડ્યા નથી, જ્યારે અમિત ઠાકરે પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન આંતરિક સૂત્રોના જણાવવા અનુસાર શરદ પવારના પૌત્ર અને અહિલ્યાનગરની કરજત જામખેડ વિધાનસભા બેઠકના વર્તમાન વિધાનસભ્ય રોહિત પવારને આ મતવિસ્તારમાંથી ફરી પાછી ઉમેદવારી આપવામાં આવે એવી સંભાવના છે.
કેટલાક કિસ્સાઓમાં નેતાના મૃત્યુ થયા હોવાને કારણે પક્ષ સ્થાપિત નેતાના પરિવારમાંથી કોઇને પસંદ કરે છે. દાખલા તરીકે શિવસેનાએ ખાનપુર બેઠક (સાંગલી) પરથી સુહાસ બાબરને મેદાનમાં ઉતાર્યા છે, કારણ કે થોડા મહિના પહેલાં તેમના પિતા અનિલ બાબરનું અવસાન થયું હતું.