Assembly Election: ઓવૈસીએ ઔરંગાબાદ સેન્ટ્રલની સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યાં, વિદર્ભ માટે કરી તૈયારી…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી, શરદ પવારની એનસીપી, કોંગ્રેસ, વંચિત બહુજન આઘાડીએ પોતાના ઉમેદવારને જાહેર કર્યા પછી વધુ એક પાર્ટી (AIMIM)એ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ઓવૈસીનો મોટો દાવો, મહારાષ્ટ્રમાં નહીં બનવા દઈએ શિંદે અને ફડણવીસની સરકાર
એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રની સેન્ટ્રલ ઔરંગાબાદ સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી છે. નાસર સિદ્દીકી આ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે સિદ્દીકીને અભિનંદન પાઠવ્યા હતા. અવિભાજિત શિવસેનાના જયસ્વાલ પ્રદીપ શિવનારાયણ ગયા વખતે અહીંથી ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૯માં એઆઇએમઆઇએમના ઈમ્તિયાઝ જલીલ અહીંની સીટ પરથી વિધાનસભ્ય બન્યા હતા.
અહેવાલ મુજબ એઆઇએમઆઇએમ વિદર્ભની ૨૭ સીટ પર પણ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે પાર્ટીનું ધ્યાન એ બેઠકો પર રહેશે, જ્યાં મુસ્લિમ અને દલિત મતદારોની સંખ્યા વધારે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને નાગપુર, અમરાવતી, બુલઢાણા, યવતમાલ, વાશિમ, ચંદ્રપુર, વર્ધા અને ગોંદિયાનો સમાવેશ થાય છે.
એઆઇએમઆઇએમ વિદર્ભ એકમના પ્રમુખ શાહિદ રંગૂનવાલાએ કહ્યું કે જો એમવીએ આ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે છે, તો અમે અમારા નિર્ણયનું વિશ્લેષણ કરીશું. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય મુસ્લિમ નેતૃત્વને આગળ લાવવાનો છે. અમે ટિકિટની માંગણી નથી કરી રહ્યા પરંતુ અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (યુબીટી) વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે.
ગત વિધાનસભા ચૂંટણીમાં એઆઇએમઆઇએમએ ૪૪ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાંથી બે બેઠકો પર પક્ષના ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. ધુળે સિટીની સીટ પરથી શાહ ફારૂક અનવર અને મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખાલીક સેન્ટ્રલ માલેગાંવથી ચૂંટણી જીત્યા હતા. શાહ ફારૂક અનવરને ૪૬,૬૭૯ વોટ મળ્યા હતા, જ્યારે મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખાલીકને ૧,૧૭,૨૪૨ મત મળ્યા હતા.
આ પણ વાંચો : ‘ઓવૈસી બીજી વાર દેશના ભાગલા પડાવશે’, ગિરિરાજ સિંહએ વકફ બોર્ડને પણ નિશાન બનાવ્યું
૨૦૧૯ ની વિધાનસભાની ચૂંટણીમાં એઆઇએમઆઇએમએ રાવેર, બુલઢાણા, બાલાપુર, રિસોડ, અચલપુર, સેન્ટ્રલ નાગપુર, ઉત્તર નાગપુર, કામઠી, નાંદેડ નોર્થ, નાંદેડ દક્ષિણ, નયાગાંવ, પરભણી, જાલના, ઔરંગાબાદ સેન્ટ્રલ, ઔરંગાબાદ પશ્ચિમ, ઔરંગાબાદ પૂર્વ, પૈઠાણ, નંદગાંવ, કલ્યાણ પશ્ચિમ, મલાડ પશ્ચિમ, અંધેરી વેસ્ટ, ચાંદીવલી, અણુશક્તિ નગર, કુર્લા, કાલીના, વાંદ્રે વેસ્ટ, ધારાવી, શિવરી, મુમ્બાદેવી, વડગાંવ શેરી, હાદસપુર, પુણે કેન્ટોનમેન્ટ, શ્રીરામપુર, અહેમદનગર સિટી, માજલગાંવ, બીડ, અહેમદપુર, સોલાપુર સિટી નોર્થ, સોલાપુર સિટી સેન્ટ્રલ, સોલાપુર દક્ષિણ, સંગોલા, કરાડ દક્ષિણ, હતકાંગલે, ધુળે શહેર માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.