ભાજપની ચાલબાજી! દેખાય છે 148, પરંતુ શિવસેનામાં આઠ અને એનસીપીમાં ચાર ઉમેદવારો, શું છે સમીકરણ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ મંગળવારે પૂરી થઈ ગઈ હોવા છતાં, મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીનો ગુંચવાડો હજુ પણ યથાવત છે. જેના કારણે પાર્ટીમાં વિખવાદ, સાથી પક્ષો વચ્ચે તકરાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ સહયોગી પક્ષોના ઉમેદવારો એકબીજાની સામે ઉભા છે. નાગપુર જિલ્લાના બાર મતવિસ્તારોમાં બળવાખોરો ઊભા છે. વિદર્ભના બુલઢાણા જિલ્લાના સિંદખેડરાજા અને અમરાવતી જિલ્લાના મોરશી મતવિસ્તારમાં ઘટકપક્ષોના ઉમેદવાર સામસામે છે. ચૂંટણીની જાહેરાતથી લઈને અરજીઓ પરત ખેંચવાની તારીખ સુધી એટલે કે ચોથી નવેમ્બર સુધી શું થાય છે તેના પર અત્યારે બધાનું ધ્યાન લાગ્યું છે.
આ પણ વાંચો : Assembly Election નોમિનેશનની તારીખ પૂરી, હવે પક્ષો કઈ મુશ્કેલીમાં મૂકાયા, જાણો?
સમીકરણ શું છે?
ભાજપે મહાયુતિમાં સત્તાવાર રીતે 148 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ ભાજપના શિવસેનામાં આઠ અને એનસીપીમાં ચાર ઉમેદવારો મેદાનમાં છે. એટલે કે, શિવસેનામાં જોડાનાર અને ધનુષ્ય-બાણ કે એનસીપીમાં જોડાઈને ભાજપના ઉમેદવારો ઘડિયાળના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા છે. જેથી વિધાનસભાની ચૂંટણી બાદ સમીકરણો પલટાય તો આ બાર ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ રીતે જોવામાં આવે તો ભાજપના ઉમેદવારોની સંખ્યા 160 થઈ જાય છે.
ભાજપ પહેલેથી જ વિધાનસભાની 160 બેઠકો પર લડવા માંગતો હતો, પરંતુ બેઠકોની વહેંચણીના સમાધાનમાં ‘નોંધપાત્ર’ ઉકેલ આવ્યો. 288 સીટોવાળી વિધાનસભા માટે બહુમતીનો આંકડો 145 છે. એવામાં પરિણામ પછી કંઈ પણ થઈ શકે છે.
ભાજપે ઉમેદવારોને ‘મોકલ્યા’
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ નહીં: કોંગ્રેસના મોટા નેતાનું મોટું નિવેદન
ભાજપે બેઠકોની ફાળવણીમાં તેના ઘણા ઉમેદવારોને શિવસેના અને એનસીપીને મોકલ્યા છે. ભાજપ શાઈના એન. સી. (મુમ્બાદેવી), મુરજી પટેલ (અંધેરી પૂર્વ), સંજના જાધવ (કન્નડ), રાજેન્દ્ર રાઉત (બાર્શી), નિલેશ રાણે (કુડાળ), રાજેન્દ્ર ગાવિત (પાલઘર) વિલાસ તરે (બોઈસર), સંતોષ શેટ્ટી (ભિવંડી-પૂર્વ)ને શિંદેની શિવસેનામાં મોકલવામાં આવ્યા હતા.
જ્યારે સંજયકાકા પાટીલ (તાસગાંવ-કવઠેમહાંકાલ), નિશિકાંત પાટીલ (ઈસ્લામપુર), રાજકુમાર બડોલે (અર્જુની-મોરગાંવ), પ્રતાપરાવ પાટીલ ચિખલીકર (લોહા)ને એનસીપીની ટિકિટ પર ઉમેદવારી આપવામાં આવી છે.