Election Special: મહારાષ્ટ્રમાં ‘સીટ શેરિંગ’ પછી કોને ફાયદો અને નુકસાન?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે મહાયુતિ (ભાજપની આગેવાની હેઠળ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) ફાઈનલ થઈ ગઈ છે, જ્યારે મહા વિકાસ આઘાડી (એમવીએ)માં સંભવિત સીટ શેરિંગની ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં છે, જેમાં હજુ પણ અમુક બેઠકો પર ખેંચાખેંચી ચાલી રહી છે. જોકે, હજુ પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી પછી દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સાથે 47 વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં મહાયુતિ સામે મહાવિકાસ આઘાડીએ ઓપન વોર જાહેર કર્યું છે, જેમાં બે શિવસેના અને બે એનસીપી આમનેસામને છે. આ વખતે સત્તાના સમીકરણો બદલાઈ ગયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ ડ્રાઈવિંગ સીટમાં છે. મહાયુતિમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એકનાથ શિંદેની શિવસેનાએ 45 અને અજિત પવારની એનસીપીએ 38 ઉમેદવાર જાહેર કર્યા છે.
મહા વિકાસ આઘાડીમાં 10 સીટ પર ઘર્ષણ યથાવત
જો હવે ફોર્મ્યુલા તૈયાર થઈ તો 2019ની સીટ શેરિંગ ફોર્મ્યુલા અને પરિણામોને આધારે અમુક પાર્ટીને ફાયદો થઈ શકે છે. મહાવિકાસ આઘાડીમાં વધી રહેલા ઘર્ષણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેના 100થી ઓછી સીટ પર લડવા તૈયાર નથી, જ્યારે કોંગ્રેસને પણ પોતાની સીટ પર ચૂંટણી લડવા માટે મક્કમ રહી છે. હજુ પણ 10 સીટ પર વિવાદ અકબંધ છે. જો યુબીટી અને કોંગ્રેસ 100થી વધુ સીટ પર લડે તો શરદ પવારની એનસીપીને નુકસાન થઈ શકે.
2019માં કોણ કેટલી સીટ પર લડ્યું હતું?
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠક છે, જેમાં 2019ની ચૂંટણીમાં એક શિવસેના હતી અને એન એનસીપી હતી. અગાઉ ઉદ્ધવ ઠાકરેની શિવસેના ભાજપ સાથે હતી, જ્યારે વિરોધમાં એનસીપી અને કોંગ્રેસ હતી. મહાયુતિની વાત કરીએ તો ભાજપને 164 અને શિવસેનાએ 126 ઉમેદવારને ટિકિટ આપી હતી, જ્યારે બે સીટ પર બંને પક્ષોની ફ્રેન્ડલી ફાઈટ હતી. એ વખતે ભાજપ 105 સીટની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી, જ્યારે શિવસેના 56 સીટ સાથે બીજા નંબરે હતી. એનાથી વિપરીત એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી હતી.
2024 વિધાનસભામાં શું ચિત્ર છે?
મહારાષ્ટ્ર વિધાનસભાની વર્તમાન તસવીરની વાત કરીએ તો ભાજપમાં પક્ષમાં 103, શિવસેના (એકનાથ શિંદે)ને 40, એનસીપી (અજિત પવાર)ની 40, બહુજન વિકાસ આઘાડી (વીબીએ)ના ત્રણ વિધાનસભ્ય છે. બીજી બાજુ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં કોંગ્રેસના 43, ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી-શિવસેના) પંદર, એનસીપી (શરદ પવાર)ના 13 વિધાનસભ્ય છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના બે, એઆઈએમઆઈએમના બે, પીજેપીના બે, એમએનએસ, સીપીએમ, શેકાપ, સ્વાભિમાન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, મહારાષ્ટ્ર જનસુરાજ્ય શક્તિ પાર્ટી, કાંતિકારી શેતકારી પાર્ટીના એક-એક વિધાનસભ્ય છે.
આ પણ વાંચો : ભલે યાદીઓ બહાર પડતી, પણ મહાયુતીમાં બધુ સમુસુતરું નથી, આ બેઠકો બની છે માથાનો દુઃખાવો
સંભવિત ફોર્મ્યુલામાં ખેંચાખેંચી પણ
એમવીએમાં સીટ શેરિંગની સંભવિત ફોર્મ્યુલાની વાત કરીએ તો કોંગ્રેસ 104થી 106, શિવસેના 92થી 96, એનસીપી (એસપી) 85થી 88 સીટ પર ચૂંટણી લડી શકે છે. જો ફોર્મ્યુલા નક્કી થઈ તો 2019ની તુલનામાં ઓછી સીટ પર ચૂંટણી લડવા છતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના કરતા વધુ સીટ પર લડશે. બીજી બાજુ એનસીપી (એસપી) પણ અજિત પવારની પાર્ટીની તુલનામાં સીટની સંખ્યાની દૃષ્ટિએ ફાયદામાં રહી શકે છે.
2019માં ચૂંટણી પરિણામો પછી પરિસ્થિતિ બદલાઈ
મહાયુતિમાં સામેલ ભાજપ, એકનાથ શિંદે-સેના અને અજિત પવારની એનસીપી મળીને 182 સીટ પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એમવીએમાં સીટ શેરિંગની પ્રક્રિયાની ચર્ચા ચાલુ છે. હવે એવું કહેવાય છે કે ચૂંટણીના મહાસંગ્રામમાં કોને ફાયદો થશે અને કોને નુકસાન એની ચર્ચા ચાલુ છે. 2019 વિધાનસભાની વાત કરીએ તો ચૂંટણીના પરિણામો અને શિવસેના-એનસીપીના બળવા પછી પરિસ્થિતિમાં ફેરફાર થયા હતા, જેમાં બેના બદલે ચાર પાર્ટી બની હતી.