મહારાષ્ટ્ર સરકાર દેવાના બોજ હેઠળ, બંધ કરાયેલી યોજનાઓનો સંકેત: સુળે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકાર દેવાના બોજ હેઠળ, બંધ કરાયેલી યોજનાઓનો સંકેત: સુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વિવિધ યોજનાઓ બંધ કરવામાં આવી રહી હોવાના અહેવાલો દર્શાવે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે.

પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં, સુળેએ કહ્યું હતું કે તેઓ છેલ્લા દોઢ વર્ષથી રાજ્યની ‘નબળી’ આર્થિક સ્થિતિ વિશે ચેતવણી આપી રહ્યા હતા.

આપણ વાંચો: નીતિ આયોગનું રાજ્યની ‘આર્થિક સ્થિતિ’માં બગાડનું નિદાન

રાજ્ય સરકાર દ્વારા દિવાળીમાં નાગરિકોને નજીવી કિંમતે આપવામાં આવતા ‘આનંદાચા શિધા’ની યોજના બંધ કરવામાં આવી હોવાના અહેવાલો પ્રકાશિત થયા તેના પર બોલતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે “મને બિલકુલ નવાઈ લાગતી નથી કેમ કે છેલ્લા દોઢ વર્ષથી હું સતત કહી રહી છું કે રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી.

‘રાજ્ય સરકાર પર આર્થિક સ્થિતિનો બોજ જોવા મળી રહ્યો છે. એક પછી એક યોજનાઓ બંધ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે, લાડકી બહીણ યોજના ખૂબ જ ધામધૂમથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે, જો તમે જુઓ, તો પ્રથમ તબક્કામાં 25 લાખ લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે,’ એમ એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખે કહ્યું હતું.

આપણ વાંચો: ક તંગી વચ્ચે મુંબઈ સંસદ પ્રાક્કલન સમિતિની ચકાચોંધ ઉજવણીથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપો

‘આનંદચા શિધા’ બંધ કરી દેવામાં આવ્યું છે. મેં રાજ્યના પ્રધાન છગન ભુજબળનું એક નિવેદન વાંચ્યું છે કે તેમને નાણાં વિભાગ તરફથી આ યોજના માટે આવશ્યક મંજૂરી મળી નથી, એમ પણ સુપ્રિયા સુળેએ કહ્યું હતું. એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખે કહ્યું હતું કે રેશન યોજના નાણાકીય તકલીફોને કારણે બંધ કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણોસર, તેની ચકાસણી થવી જોઈએ.

‘આટલી મહત્વપૂર્ણ પહેલને બંધ કરવામાં આવી રહી છે, દરરોજ લાડકી બહિણ યોજનામાંથી મહિલાઓના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું ભંડોળ મળી રહ્યું નથી, આ બધું શું સૂચવે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

સુળેએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને સંપૂર્ણ કૃષિ લોન માફી આપવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ એનાથી ચિંતાજનક બાબત તો એ છે કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે કેન્દ્રને હજુ સુધી રિપોર્ટ પણ મોકલ્યો નથી.

આપણ વાંચો: ‘વિકસતી આર્થિક પરિસ્થિતિઓ’ સાથે તાલમેલ રાખવા માટે સહકાર ક્ષેત્ર માટે નવા કાયદાની જરૂર: નીતિન ગડકરી

‘કેન્દ્રીય પ્રધાન અમિત ભાઈ શાહે ગઈકાલે કહ્યું હતું કે કેન્દ્ર મદદ કરવા તૈયાર છે, જો રાજ્ય રિપોર્ટ મોકલે તો. તો પછી સરકારે આટલા દિવસો રિપોર્ટ કેમ મોકલ્યો નથી?’ એવો સવાલ તેમણે કર્યો હતો.સાંસદે કહ્યું કે રાજ્યની એકંદર નાણાકીય સ્થિતિ વિશે તેઓ જે કંઈ કહી રહ્યા છે તે યોજનાઓ બંધ થવાથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

રાજ્ય સરકારનું નાણાકીય વ્યવસ્થાપન સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે, એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો. આજે, વર્લ્ડ બેંકનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ લોન લેનારો દેશ છે.

કેન્દ્રનું નાણાકીય વ્યવસ્થાપન પણ પ્રભાવિત થયું છે, કારણ કે સારા જીએસટી કલેક્શન છતાં કર વસૂલાત યોગ્ય રીતે થઈ રહી નથી. બીજી ચિંતા એ છે કે ડોલરની સરખામણીમાં રૂપિયો દરરોજ નબળો કેમ પડી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

જ્યારે યોજનાઓ બંધ થઈ રહી છે, ત્યારે હજુ પણ 80,000 કરોડ રૂપિયાના શક્તિપીઠ એક્સપ્રેસવે બનાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, એમ પણ સુળેએ જણાવ્યું હતું.

આ દર્શાવે છે કે રાજ્ય સરકાર પાસે હાઇવે બનાવવા માટે 80,000 કરોડ રૂપિયા છે પરંતુ ગરીબ લોકોને ‘આનંદાચા શિધા’ આપવા માટે પૈસા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button