58 કરોડનો ‘ડિજિટર અરેસ્ટ’ ફ્રોડ કેસ: વધુ ચાર આરોપીની ધરપકડ…

શેલ કંપનીઓના ખોલાયેલા 6,500થી વધુ બૅન્ક અકાઉન્ટ્સનો ગુનામાં ઉપયોગ કરાયો
મુંબઈ: ‘મની લોન્ડરિંગ=માં સંડોવણી હોવાનું જણાવીને 72 વર્ષના વેપારી અને તેમની પત્નીને ડિજિટલ અરેસ્ટમાં રાખી 58.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ડિજિટલ અરેસ્ટના અત્યાર સુધીમાં દાખલ કેસોમાં આ ગુનામાં નોંધાયેલો 58 કરોડનો આંકડો સૌથી મોટો હોઇ આરોપીઓએ 13 લેયરમાં વિતરીત 6,500થી વધુ ‘મ્યૂલ’ અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જે શેલ કંપનીઓના નામે ખોલાયાં હતાં. આ નાણાંનું બાદમાં મની લોન્ડરિંગ કરાતું હતું.
સાયબર પોલીસે ધરપકડ કરેલા ચાર આરોપીની ઓળખ શેખ શાહીદ અબ્દુલ સલામ (19), ઝફર અકબર સૈયદ (33), ઇમરાન ઇસ્માઇલ શેખ (22) અને મોહંમદ નાવેદ શેખ (26) તરીકે થઇ હતી. અગાઉ આ કેસમાં મલાડના અબ્દુલ નાસીર અબ્દુલ કરીમ ખુલ્લી, મુંબઈ સેન્ટ્રલના અર્જુન કડવાસરા તથા તેના ભાઇ જેઠારામ કડવાસરાની ધરપકડ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં વિવિધ બૅન્ક ખાતાંમાં 3.5 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ગુનામાં સામેલ ટોળકીના મુખ્ય સૂત્રધારની શોધ ચલાવવામાં આવી રહી છે. બૅન્કના મેનેજર તેમ જ અન્ય અધિકારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી મુંબઈના વેપારીને 40 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખીને 58.13 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વેપારીને પ્રથમ એક વ્યક્તિએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે આપી હતી. તેણે વેપારીને કહ્યું હતું કે ગેરકાયદે મેસેજ મોકલવા માટે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.
બાદમાં પોલીસ અધિકારી તરીકે પોતાની ઓળખ આપનારી વ્યક્તિએ વેપારીને જણાવ્યું હતું કે તમારું બૅન્ક ખાતું મની લોન્ડરિંગ માટે વાપવામાં આવી રહ્યુ ંછે. આરોપીઓએ ત્યાર બાદ બોગસ પોલીસ સ્ટેશન, કોર્ટની કાર્યવાહી અને પોલીસની પૂછપરછના નામે વેપારીની જીવનભરની બચત પડાવી લીધી હતી. વેપારીએ આ પ્રકરણે સાયબર પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો…ડિજિટલ અરેસ્ટમાં સૌથી મોટી છેતરપિંડી! મુંબઈના ઉદ્યોગપતિએ ₹58 કરોડ ગુમાવ્યા