ધારાવી ગેરકાયદે મસ્જિદ કેસ પર આવી નેતાઓની પ્રતિક્રિયાઓ…
મુંબઇઃ ધારાવી ખાતે મસ્જિદના જ અનધિકૃત બાંધકામને તોડી પાડવાના મુદ્દે આજે ભારે તંગદિલી જોવા મળી હતી. ધારાવીમાં 90 ફૂટ રોડ પર એક મસ્જિદ છે. એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ મસ્જિદમાં અનધિકૃત બાંધકામ થયું છે.
આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે આજે સવારે મુંબઈ મહાનગરપાલિકાની એક ટીમ ધારાવી પહોંચી હતી. એ સમયે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાની કારમાં તોડફોડ કરવામાં આવી હતી.
પરિસ્થિતિ હાથમાંથી બહાર જતી હોવાનું સમજીને વધારાની પોલીસ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ધારાવીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાંસદ વર્ષા ગાયકવાડ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. આ અંગે ધારાવી પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઈ હતી. તેમની સાથે તમામ પક્ષોના નેતાઓ અને વિરોધીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં જે ઉકેલ આવ્યો હતો તે મુજબ પાલિકા દ્વારા આઠ દિવસની મુદત આપવામાં આવી છે. આ સમય દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ આઠ દિવસમાં મસ્જિદના ટ્રસ્ટીઓ જ ગેરકાયદે બાંધકામ દૂર કરશે.
આ પ્રકરણ બાદ વિવિધ પાર્ટીના નેતાઓના પ્રતિભાવ પણ સામે આવ્યા છે.
ભાજપના સાંસદ નિતેશ રાણેએ આને દાદાગીરી જ ગણાવી હતી. હિંદુત્વની વાતો કરતા ભાજપના કોંકણના વિધાન સભ્ય અને નેતા નિતેશ રાણેએ જણાવ્યું હતું કે, “આ જેહાદી માનસિકતા ધરાવતા લોકો આપણા દેશમાં, મહારાષ્ટ્રમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. અતિક્રમણ સાબિત થયા બાદ તેને તોડવા દેવામાં નથી આવતું. આ તો નરી દાદાગીરી જ કહેવાય.તેઓએ તેમની દાદાગીરી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જઈને કરવી જોઇએ.”
હાલમાં તો વોર્ડ ઑફિસરે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને મસ્જિદના ટ્રસ્ટીઓને અતિક્રમણ હટાવવા માટે ચાર-પાંચ દિવસનો સમય આપ્યો છે. ડિમોલિશનની કાર્યવાહી રોકાઇ ગયા બાદ મસ્જિદના ટ્રસ્ટીઓએ આ મુદ્દે કોર્ટમાં જવાની વાત કરી છે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે સેના, રાહુલ ગાંધીની કોંગ્રેસ મુસ્લિમોને રમખાણો કરાવવાનું કામ કરી રહી છે..