દેશમુખ પર હુમલો: સંજય રાઉતે કહ્યું ફડણવીસ જવાબદારી સ્વીકારે
મુંબઈ: અનિલ દેશમુખ પર થયેલા હુમલા બાદ શિવસેના (યુબીટી)ના નેતાએ નાયબ મુખ્ય પ્રધાન તથા રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભાંગી પડી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણીને કારણને આચારસંહિતા લાગુ હોવાથી રાજ્યનું વહીવટીતંત્ર ચૂંટણી પંચના નિયંત્રણમાં છે છતાં ગૃહ પ્રધાનનો આદેશ રાજ્યમાં ચાલી રહ્યો છે.
‘પહેલા એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરાઇ અને અનિલ દેશમુક પર નાગપુરમાં હુમલો થયો જે ફડણવીસનું વતન છે. ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પર હુમલો થયો હોય એવું ક્યારેય બન્યું નથી, પણ આવું ફક્ત ફડણવીસના કાર્યકાળ દરમિયાન થયું છે’, એમ રાઉતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : કાલે ડ્રાય ડે, સ્ટોક માર્કેટ પણ બંધઃ જાણો શું રહેશે ઑપન અને શું ક્લોઝ
દેશમુખ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી ફડણવીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોવાનું કબૂલ કરવું જોઇએ, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અમને ચિંતા છે કે વિપક્ષોના કાર્યકરોને ધમકી આપવામાં આવશે, તેમના પર હુમલો કરવામાં આવશે અથવા તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવશે, એમ રાઉતે કહ્યું હતું.