મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો 50 ટકા કરવાની માગણી કરી…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે ભારતના વિભાજીત કર માળખામાં રાજ્યોનો હિસ્સો 41 ટકાથી વધારીને 50 ટકા કરવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાનની કચેરી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ‘મહારાષ્ટ્ર સરકાર સાથેની બેઠક દરમિયાન 16મા નાણા પંચ સમક્ષ રાજ્યની માંગણીઓનું એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને એકનાથ શિંદે બેઠકમાં હાજર હતા.
આ નિવેદનમાં જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રે કેન્દ્રીય કરની ચોખ્ખી આવકમાં રાજ્યોનો હિસ્સો 50 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાજ્યે વિભાજીત માળખાની વ્યવસ્થામાં રાજ્યનો હિસ્સો 41 ટકાથી વધારીને 50 ટકા કરવાનો, સેસ અને સરચાર્જને મુખ્ય કર સાથે મર્જ કરવાનો અને કેન્દ્ર સરકારની બિન-કર આવકને કરમાળખામાં સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, એમ તેમાં જણાવાયું છે.

નિવેદનમાં જણાવાયું છે કે, રાજ્યે આયોગને ‘ટકાઉ વિકાસ અને ગ્રીન એનર્જી’ અને ‘ભારતના જીડીપીમાં રાજ્યો દ્વારા વધતા જતા યોગદાન’ જેવા નવા માપદંડોની ભલામણ કરવા વિનંતી કરી હતી. રાજ્યે આવકના અંતર માપદંડના ભારાંકને 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરવાની વિનંતી કરી છે, એમ નિવેદનમાં જણાવાયું છે. આવક અંતર રાજ્યની માથાદીઠ આવક અને તમામ રાજ્યોમાં સૌથી વધુ માથાદીઠ આવક વચ્ચેના તફાવતને માપે છે.
ખાસ ગ્રાન્ટમાં, રાજ્યે એમએમઆર માટે આર્થિક માસ્ટર પ્લાનના અમલ, નદી જોડાણ પ્રોજેક્ટ્સ અને નવા હાઇકોર્ટ સંકુલ, જેલમાં માળખાગત સુવિધા, તબીબી વિદ્યાર્થીઓ માટે પીજી હોસ્ટેલ અને ઇકો-ટુરિઝમ જેવા કામો માટે સહાય જેવા મેગા પ્રોજેક્ટ્સ માટે 1,28,231 કરોડ રૂપિયાની માગણી કરી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે.
રાજ્યએ રાજ્ય આપત્તિ પ્રતિસાદ ભંડોળ (એસડીઆરએફ) હેઠળ એકંદર ફાળવણી વધારવા અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના શેરિંગ રેશિયોને 75:25 થી 90:10 કરવા માટે પણ કમિશન સમક્ષ દરખાસ્ત કરી છે.
આપણ વાંચો : ફડણવીસે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી; કહ્યું કે સ્ટ્રાઇકના વીડિયો ફૂટેજને કારણે શંકા માટે કોઈ જગ્યા નથી…