આમચી મુંબઈ

ભારત-પાક વચ્ચે સંઘર્ષ:સોશિયલ મીડિયા પરથી ૫,૦૦૦થી વધુ દુષ્પ્રચાર કરતી પોસ્ટ દૂર કરાઇ…

મુંબઈ: મહારાષ્ટ્ર સાયબર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની લશ્કરી કાર્યવાહી અંગે ખોટા સમાચાર તથા દુષ્પ્રચાર ફેલાવતી ૫,૦૦૦થી વધુ પોસ્ટ દૂર કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. લશ્કરની કામગીરી વિશે ખોટા સમાચારો, વ્યૂહાત્મક કાર્યવાહીઓ અથવા પાડોશી દેશ દ્વારા લેવાઇ રહેલા પગલાં અંગેના ખોટા સમાચાર વગેરે સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા. સાયબરક્રાઇમ ડિટેકશન એજન્સીએ પણ આવા ખોટા સમાચારો અંગે એડવાઇઝરી જાહેર કરી હતી.

આવી બનાવટી-ખોટી પોસ્ટ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરી શકે છે અથવા તો બે સમુદાય વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે. તેથી ગંભીર નોંધ લઇને એજન્સીએ તેને દૂર કરવા પગલાં લીધાં હતાં, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીના ખોટા સમાચાર ફેલાવનારી ૫,૦૦૦થી વધુ પોસ્ટ સોશ્યલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે. ફક્ત સાચી માહિતીઓ આપવામાં આવે તેની ખાતરી કરવા એજન્સી કટિબદ્ધ છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે ઓનલાઇન પ્લેટફોર્મ અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સહકાર આપવાનું ચાલુ રાખવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

જાણીજોઇને અથવા અજાણતામાં પણ જો ખોટા સમાચાર ફેલાવવામાં આવે તે કાયદા હેઠળ દંડનીય અપરાધ છે, એમ તેમણે કહ્યું હતું. કોઇ પણ પોસ્ટ કરતી વખતે તેની ખાતરી કરવા અથવા કોઇ શંકાસ્પદ અથવા બનાવટી પોસ્ટ જણાય તો તેની જાણ કરવા અને જવાબદાર નાગરિક તરીકે વર્તવાની એજન્સી દ્વારા અપીલ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button