ખંડણીની ધમકીથી રક્ષણ આપતો કાયદો બનાવવાની મહારાષ્ટ્ર સરકારને કરી આ સંસ્થાએ અપીલ
મુંબઈ: ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખંડણીની ધમકીઓથી રક્ષણ આપતો કાયદો બનાવવામાં આવે એવી અરજી બે સરકારી કોન્ટ્રાક્ટરની સંસ્થા (ગવર્નમેન્ટ કોન્ટ્રેક્ટર ઓર્ગેનાઇઝેશન) દ્વારા મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે.
ધમકીઓ, ખંડણી, રાજકીય મતભેદોના કારણે નોકરીમાં દખલ દેવાના પ્રયત્નો વગેરેથી ત્રાસીને આ અરજી કરવામાં આવી છે. આ તમામ કારણે વિવિધ પ્રોજેક્ટના કામો ઉપર અસર થઇ તે અટકી જતા હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રેક્ટર્સ એસોસિએશન (એમએસસીએ) અને સ્ટેટ એન્જિનિયર્સ એસોસિએશન (એસઇએ) દ્વારા ઉક્ત અરજી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પત્ર લખીને કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર દરેક જિલ્લાના હરીફ રાજકીય પક્ષો દ્વારા ચાલી રહેલા કામકાજને રોકવા માટે દબાણ કરવામાં આવે છે અને તેની માટે કોન્ટ્રેક્ટર પાસેથી ખંડણી માંગવામાં આવે છે તેમ જ હિંસાના સહારો પણ લેવામાં આવે છે. આ બધું રાજ્યના દરેક જિલ્લામાં થઇ રહ્યું હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે.
જોકે, આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ફેબ્રુઆરી મહિનાના અંત પછી કામ અટકાવી દેવામાં આવશે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે. સત્તામાં રહેલા વિધાનસભ્યો, સાંસદો તેમ જ અન્ય જનપ્રતિનિધિઓ રાજ્યમાં વિકાસકાર્યો માટે મોટા ભંડોળ મેળવ્યા છે.
જોકે, આ વિકાસકાર્યો પૂરા ન થાય એના માટે હરીફ રાજકીય પક્ષો દ્વારા દરેક પ્રયત્ન કરવામાં આવતા હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે. કામ રોકવા માટે તેઓ કોન્ટ્રેક્ટર અને મજૂરો વિરુદ્ધ એકજૂથ થઇ જતા હોવાનું તેમ જ તેમને ગાળાગાળી અને તેમની મારપીટ કરતા હોવાનું પણ જણાવાયું છે.