Nana Patole Car Accident: નાના પટોલેની કારને ટ્રકે ટક્કર મારી, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

મુંબઇઃ લોકસભા ચૂંટણી 2024નો સંગ્રામ દરરોજ નવા રંગ બતાવી રહ્યો છે ત્યારે રાજ્યમાં મોટા નેતાઓ પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પણ આમાંથી બાકાત નથી,પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે ભંડારાથી પરત પરથી વખતે અકસ્માતનો શિકાર બન્યા છે.
મળતી માહિતી મુજબ તેમની કાર એક ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં તેમની કારને ઘણું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સામાન્ય ઇજાઓ જ પહોંચી છે. અકસ્માતમાં અન્ય કોઈને ઈજા થઈ નથી. આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે.
આ ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીના ઉમેદવાર પ્રશાંત પડોલીને નાના પટોલેનો બીજો ચહેરો માનવામાં આવી રહ્યો છે અને તેમણે પણ આ ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેઓ દિવસ રાત પ્રચારમાં લાગી ગયા છે. એ જ રીતે ગઈકાલની પ્રચાર સભા બાદ નાના પટોલે રાત્રે ભંડારાથી પોતાના વતન જવા માટે રવાના થયા હતા.
દરમિયાન ભંડારાથી પાંચ કિલોમીટર દૂર ભીલવાડા ગામ પાસે તેમના કાફલા અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે નાના પટોલેની કારના પાછળનો ભાગનો ભૂક્કો બોલાઈ ગયો હતો.આ દુર્ઘટનામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખનું ચમત્કારિક બચાવ થયો છે પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી ટ્રક ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે વિધાનસભાના પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા પટોલેની સુરક્ષા સરકાર બદલાયા બાદ હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ નાના પટોલેએ ટિપ્પણી કરી હતી કે લોકોના આશીર્વાદ અને પ્રેમને કારણે હું સુરક્ષિત છું.
ગઈકાલે રાત્રે બનેલા અકસ્માતના આ સમાચાર બહાર આવતા જ રાષ્ટ્રીય સ્તરે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સવાલ કર્યો છે કે શું ભાજપ વિરોધ પક્ષના નેતાઓને ખતમ કરીને ચૂંટણી જીતવા માંગે છે? ભંડારા જિલ્લામાં પ્રચાર પ્રવાસ પર હતા ત્યારે મંગળવારે રાત્રે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની કારને ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર ઘટના છે અને શું તેમને મારવાનો પ્લાન હતો?
ભંડારા ગોંદીયા લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હવે બીજા તબક્કામાં પ્રવેશી ગયો છે. આ મતવિસ્તારના કુલ 18 ઉમેદવારોમાંથી 11 અપેક્ષ ઉમેદવારો છે, પરંતુ બે ત્રણ અપેક્ષ ઉમેદવારો સિવાય અન્ય કોઈ અપેક્ષ ઉમેદવારો આ વિસ્તારમાં પ્રચાર કરતા જોવા મળતા નથી. લોકસભાની ચૂંટણી માટે અહીં 19 એપ્રિલે મતદાન થવાનું છે.