મહારાષ્ટ્ર કૉંગ્રેસને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે: નાના પટોલે…

નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે જણાવ્યું હતું કે પાર્ટીના રાજ્ય એકમને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે, કેમ કે તેમણે પાર્ટીના મોવડીમંડળને એવી વિનંતી કરી છે કે આ જવાબદારીમાંથી તેમને મુક્ત કરવામાં આવે.
પટોલે વિધાનભવનના સંકુલમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Good News: મેટ્રો-થ્રીનો કોલાબા-બીકેસીનો બીજો તબક્કો 5 મહિનામાં ખુલ્લો મુકાશે…
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નવા પ્રદેશાધ્યક્ષ અંગેનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. અમે પાર્ટીના કેન્દ્રીય મોવડીમંડળને નવા નેતાનું નામ નક્કી કરવાની સત્તા આપી છે, એમ તેમણે કહ્યું હતું.
પટોલેએ પાર્ટીના મોવડીમંડળને રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી, કેમ કે તેઓ આ પદે છેલ્લા ચાર વર્ષથી કામ કરી રહ્યા છે.
તેમણે એવી પણ માહિતી આપી હતી કે વિધાનસભા પાર્ટીના અધ્યક્ષના નામની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી નબળા દેખાવને પગલે પાર્ટીના સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવતો હતો કે પ્રદેશાધ્યક્ષ પદની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પટોલેએ વિનંતી કરી છે.
જોકે, ગયા અઠવાડિયે પટોલેએ એવી સ્પષ્ટતા કરી હતી કે તેમણે પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું નથી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અજિતદાદા તમે ચોક્કસ એક દિવસ મુખ્ય પ્રધાન બનશો: ફડણવીસ
વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ફક્ત 16 બેઠક પર જીતી શકી હતી અને અત્યારસુધીનો કૉંગ્રેસનો રાજ્યમાં આ સૌથી નબળો દેખાવ છે. (પીટીઆઈ)