
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે બુધવારે એવો દાવો કર્યો હતો કે છેલ્લા 11 વર્ષથી ‘અઘોષિત કટોકટી’ લાગુ છે.
સપકાળે કહ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી બંધારણીય હતી અને ભાજપ પર ખોટો પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
‘કટોકટી લાદવાની જરૂર પડી કારણ કે કેટલીક શક્તિઓ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી,’ એમ તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું અને ભાજપ પર કટોકટીને મુદ્દે ‘એકતરફી’ ચિત્રણ કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા કટોકટી પર જારી કરાયેલી જાહેરાતોમાં રાજ્ય પ્રતીકની જગ્યાએ ‘સેંગોલ’ લગાવવામાં આવ્યું છે અને તેને બંધારણમાં ફેરફાર કરવાનું કાવતરું ગણાવ્યું હતું.
‘સરકારે પ્રચાર પર કરોડોનો ખર્ચ કર્યો છે. જોકે, સરકાર દ્વારા અખબારોમાં જારી કરાયેલી જાહેરાતમાં રાષ્ટ્ર-પ્રતીક ગાયબ છે અને તેના બદલે સેંગોલ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ ફક્ત પ્રતીકાત્મક નથી – તે બંધારણમાં ફેરફાર કરવાના મોટા કાવતરાનો ભાગ છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’, જે બ્રિટિશરો દ્વારા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને સત્તાના હસ્તાંતરણના પ્રતિક તરીકે આપવામાં આવ્યો હતો, તેને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે તેના પક્ષના જર્નલ ‘જનમાનસાચી શિદોરી’ની ખાસ કટોકટી-થીમ આધારિત આવૃત્તિ પ્રકાશિત કરી છે, જેમાં ઇન્દિરા ગાંધી, પુપુલ જયકર, પત્રકાર કુમાર કેતકર, શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અને અન્ય લોકોના લેખો છે.
‘આ અંક કટોકટીનું સાચું ચિત્ર રજૂ કરશે અને ભાજપના ખોટા પ્રચારનો સામનો કરશે,’ એમ સપકાળે કહ્યું હતું.
તેમણે ભાજપ પર કટોકટીનું ‘એકતરફી’ ચિત્રણ કરવાનો આરોપ મૂક્યો હતો અને ભૂતપૂર્વ આરએસએસ વડા બાળાસાહેબ દેવરસે આ પગલાને સમર્થન આપ્યું હતું તે મુદ્દે ભાજપના મૌન પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.
આપણ વાંચો સગીરાનો અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: યુવક સામે ગુનો
‘ઇન્દિરા ગાંધીએ કટોકટી હટાવી અને ચૂંટણીઓ બોલાવી. તેમણે દેશની સંપત્તિ કોર્પોરેટ્સને વેચી ન હતી. છેલ્લા 11 વર્ષથી ભાજપ હેઠળ અઘોષિત કટોકટીનું શું?’ એમ તેમણે પૂછ્યું હતું.
સપકાળે વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખો, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કટોકટીના (21 મહિના) દરમિયાન અતિરેકને સ્વીકાર્યો હતો.