આમચી મુંબઈ

હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહારાષ્ટ્ર કૉંગ્રેસ બની જશે મુખ્ય પ્રધાનપદની દાવેદાર

મુંબઈઃ Loksabha election resultsએ મહારાષ્ટ્રમાં બે પક્ષને સરપ્રાઈઝ મળી છે. એક તો ભાજપ જેનો વધુ પડતો આત્મવિશ્વાસ તેને જ ભારે પડ્યો જ્યારે બીજો પક્ષ કૉંગ્રેસ જેણે સૌને ચોંકાવી દીધા. મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસને ત્રીજા સ્થાને માનવામાં આવતી હતી. 48માંથી દેશની સૌથી જૂની પાર્ટીએ માત્ર 17 બેઠક પર જ ચૂંટણી લડી હતી, પરંતુ 13 બેઠક જીતી લાવી છે. કૉંગ્રેસ મહાવિકાસ આઘાડીમાં સૌથી વધારે બેઠક લાવનારી અને મહારાષ્ટ્રમાં ભાજપ જેટલી જ બેઠક લાવનારી પાર્ટી બની ગઈ છે.

હવે મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસનો અવાજ ઊંચો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ચાર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી છે અને દરેક પક્ષ કામે લાગી ગયો છે. મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ એનસીપી, શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે હવે બેઠકની વહેંચણીની ચર્ચાઓ થશે. રાજયની 288 બેઠકમાંથી કોણ કેટલા પર લડશે તે નક્કી કરવા ત્રણેય પક્ષો મેરેથોન મિટિંગ કરશે અને ફરી રિસાવા મનાવવાનો દોર પણ ચાલુ થશે ત્યારે કૉંગ્રેસ હાલમાં સૌથી વધારે બેઠકોની દાવેદાર લાગી રહી છે અને તેથી મુખ્ય પ્રધાનપદ માગવાની રેસ ચાલુ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

લોકસભાની બેઠકોની જીત પ્રમાણે વિધાનસભાની કઈ બેઠક પર કોણ લડે તો ફાયદો થાય તે નક્કી થતું હોય છે અને તે પ્રમાણે જે તે પક્ષને બેઠકો મળતી હોય છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનો સારો દેખાવ: 15થી 25 બેઠક મળવાનો બધા એક્ઝિટ પોલનો અંદાજ

હવે આપણે વિધાસસભાના 2019ના પરિણામો અને હાલની રાજકીય પરિસ્થિતિ જોઈએ તો 288 બેઠકોમાંથી મહાવિકાસ આઘાડીને 158 અને મહાયુતને 127 બેઠકો મળી છે.

હાલમાં કોંગ્રેસ પાર્ટી પાસે હવે 45 ધારાસભ્યો છે અને તે લોકસભામાં મળેલી લીડ મુજબ 27 બેઠકો પર તેમનું વર્ચસ્વ છે. તેથી કોંગ્રેસની કુલ બેઠકોની સંખ્યા 72 છે. શરદ પવારની એનસીપી પાસે હવે 12 ધારાસભ્યો છે અને લોકસભા ચૂંટણી અનુસાર 40 બેઠકો વધી રહી છે. એનસીપીને કુલ 52 બેઠક મળી શકે તેમ છે. જ્યારે ઠાકરે જૂથની શિવસેના પાસે હાલમાં 15 ધારાસભ્યો છે, જ્યારે તેમની 15 બેઠકો વધી રહી છે અને તેમની પાસે કુલ 30 બેઠકો જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે ક શિવસેના અને એનસીપીના 2019 બાદ બે ભાગ પડી ગયા છે, આથી બળવો કરીને ગયેલા વિધાનસભ્યો ગણતરીમાં લેવાતા નથી.

આ આંકડાઓ અનુસાર કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી છે. સંખ્યાની દ્રષ્ટિએ કોંગ્રેસ મુખ્ય પ્રધાનપદનો દાવો કરી શકે છે. કારણ કે કોંગ્રેસને સૌથી વધુ 72 સીટો મળી રહી છે. શરદ પવાર જૂથની બેઠકો પણ વધી રહી હોવાથી તેમને પણ આનો ફાયદો થશે, પરંતુ આ મતદાનમાં ઉદ્ધવ ઠાકરેના જૂથની 15 બેઠકો વધી છે. જેથી હવે જગ્યાની વહેંચણી કેવી રીતે થશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત થવાનું છે.

અગાઉ કૉંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી અને પ્રાદેશિક પક્ષો સાથે તેમણે સમાધાન કરવું પડ્યું હતું, પરંતુ હવે તે ફરી રાષ્ટ્રીય અને મોટો પક્ષની ભૂમિકામાં આવશે તે વાત નક્કી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button