Top Newsઆમચી મુંબઈ

રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું મુંબઈમાં ઠંડી વધશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યમાં ઠંડીનુંં મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં ૧૫ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાયું હતું, જેમાં ૭.૪ ડિગ્રી સાથે અહિલ્યાનગર (અહમદનગર)માં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જોકે મુંબઈમાં ઠંડી અને ગરમીનું મિશ્ર વાતારવણ રહ્યું હતું. મંગળવારે વહેલી સવારે મુંબઈગરાએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તો દિવસના સમયે ગરમીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના લઘુતમ તાપમાનનો પારો ૧૬.૫ ડિગ્રી સામે દિવસનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ૧૨ ડિસેમ્બર, શુક્રવાર સુધીમાં લઘુતમ તાપમાન ઘટીને ૧૩ ડિગ્રીની આસપાસ જઈ શકે છે. જે અત્યાર સુધીનું મોસમનું સૌથી નીચું તાપમાન હોઈ શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થઈને તાપમાનનો પારો ઊંચો જઈ જવાની શક્યતા છે.

મુંબઈગરા શિયાળાની મોસમમાં ઠંડી અને ગરમી બંને મોસમનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે સવારના સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૫ ડિગ્રી નોંધાયો હતો. હજી એક દિવસ પહેલા જ લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૨.૩ સેલ્સિયસ ડિગ્રી ઓછું હતું. તો દિવસનું મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૭ ડિગ્રી અને મહત્તમત તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈગરાએ મંગળવારે ઠંડી અને ગરમી બંનેને અનુભવ કર્યો હતો. સવારના સ્વેટર પહેરીને નીકળનારી વ્યક્તિ દિવસના સમયે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. મુંબઈના મિશ્ર વાતાવરણ વચ્ચે જોકે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

હવામાનના નિષ્ણાતોના કહેવા મુજબ આગામી ૪૮થી ૭૨ કલાક દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર તરફથી આવતા સૂકા પવનોને કારણે ઠંડીનો ટૂંકો સમયગાળો શરૂ થયો છે.

મધ્ય મહારાષ્ટ્રનુંં અહિલ્યાનગર ૭.૪ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હતું. જળગાંવમાં ૮.૪ ડિગ્રી, પુણેમાં ૮.૯ ડિગ્રી, માલેગાંવમાં ૯.૨, નાશિકમાં ૯.૩, સતારામાં ૧૧.૨, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૦, સોલાપુરમાં ૧૨.૪ ડિગ્રી, સાંગલીમાં ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું. તો મરાઠવાડાના પરભણી અને ઔરંગાબાદમાં ૧૧ ડિગ્રી, ઉસ્મનાબાદમાં ૧૨.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વિદર્ભના ગોંદિયામાં ૮.૬ ડિગ્રી, નાગપુરમાં ૮.૮ ડિગ્રી, યવતમાળમાં ૯.૨ ડિગ્રી, અમરાવતી અને અકોલામાં ૧૦.૬ ડિગ્રી, વાશિમમાં ૧૦.૮ ડિગ્રી, વર્ધામાં ૧૧.૨ ડિગ્રી, ચંદ્રપુરમાં ૧૧.૬ ડિગ્રી, બ્રહ્મપુરીમાં ૧૨.૦ ડિગ્રી, બુલઢાણામાં ૧૩.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button