રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું મુંબઈમાં તાપમાનનો પારો ૧૯ ડિગ્રીએ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ રવિવારે વહેલી સવારે શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો. મુંબઈમાં વહેલી સવારના લઘુતમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો, જે નવેમ્બરમાં ચાલુ મોસમમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાવાની સાથે જ સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં સવારના ૧૦થી ૧૮ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં રવિવારે ચાલુ મોસમમાં પહેલી વખત સવારના લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે શિયાળાની મોસમમાં પહેલી વાર લઘુતમ તાપમાનનો પારો આટલો નીચો નોંધાયો હતો. વહેલી સવારના સાંતાક્રુઝમાં લઘુતમ તમાપન ૧૯.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછો હતો. આ અગાઉ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને પગલે દિવસનું તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતુંં, જે છેલ્લા એક દાયકામાં શહેરમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગના ડેટા મુજબ રવિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૦ અને લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા૧.૭ ડિગ્રી ઓછું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૧.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સરેરાશ કરતા ૨.૩ ડિગ્રી ઓછું હતું.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું: 14 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ,
મુંબઈ હળવી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે તો રાજ્યના મોટાભાગના જિલ્લામાં કડકડટી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સતત બીજા દિવસે નીચું તાપમાન જળગાંવમાં નોંધાયું હતું. રવિવારે જળગાંવમાં ૧૦.૫ ડિગ્રી, ગોંડિયામાં ૧૧.૫, બીડમાં ૧૧.૮, નાશિક અને અહિલ્યાનગર અને અમરાવતીમાં ૧૨.૫ ડિગ્રી, ભંડારામાં ૧૨.૦, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર અને સંભાજીનગરમાં ૧૨.૮ ડિગ્રી, વાશીમમાં ૧૨.૬ ડિગ્રી, યવતમાળમાં ૧૩, પરભણી અને બારામતીમાં ૧૩.૬ ડિગ્રી, બુલઢાણામાં ૧૩.૮ ડિગ્રી, અકોલામાં ૧૪.૩ ડિગ્રી, પુણેમાં ૧૪.૩ ડિગ્રી, નાગપુરમાં ૧૪.૪ ડિગ્રી, સતારામાં ૧૪.૫ ડિગ્રી, સોલાપુરમાં ૧૫.૬ ડિગ્રી, મુંબઈ નજીકના હિલ સ્ટેશન લોનાવાલામાં ૧૬ ડિગ્રી અને માથેરાનમાં ૧૭.૪ ડિગ્રી , સાંગલીમાં ૧૬.૯ , તો , કોલ્હાપુર ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે અને આ પ્રદેશમાંથી મહારાષ્ટ્ર તરફ ફૂંકાઈ રહેલા ઉત્તરીય પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હાલ મુંબઈમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંંકાઈ રહ્યા છે, તેને કારણે તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે. ઉત્તર-પૂર્વીય પવનો ઠંડા અને સૂકા હોવાને કારણે ઉત્તર-મધ્ય ભારત સહિત મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લા સહિત મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. આગામી બે ત્રણ દિવસમાં તેમાં હજી ધટાડો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ સહિત તેના પડોશી જિલ્લામાં લઘુતમ તાપમાન ૧૮થી ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જયારે દિવસનું તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રીની આસપાસ રહી શકે છે.
મુંબઈમાં જોકે તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો નોંધાયો હતો. ગયા અઠવાડિયે પડેલા કમોસમી વરસાદને પગલે વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું પણ ફરી પાછું પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. મુંબઈમાં છેલ્લા બે દિવસમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધી ગયો છે. રવિવારે સવારના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૦૪ નોંધાયો હતો.
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ રવિવારે સૌથી ઊંચો એક્યુઆઈ શિવડીમાં ૨૫૦ નોંધાયો હતો.



