તમે ગણપતિ બાપ્પા પાસે શું માંગ્યું? અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે…
મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં 10 દિવસ ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાવામાં આવ્યો. દસ દિવસ ગણપતિ બાપ્પાની સેવા કરી ગણેશભક્તોએ ગુરુવારે એટલે કે 28મી સપ્ટેમ્બરના રોજ તેમના લાડકા બાપ્પાને વિદાય આપી હતી. દરમીયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વર્ષા નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. મુખ્ય પ્રધાન અને તેમના પરિવારે પણ ગઇ કાલે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રસારમાધ્યમો સાથે વાત કરી હતી. તેમણે બાપ્પા પાસે શું માંગ્યું તેની ચર્ચા પણ તેમણે કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, છેલ્લાં દસ દિવસ ખૂબ જ આનંદમય હતાં. મુંબઇસહિત આખા મહારાષ્ટ્રમાં મોટા ઉત્સાહ સાથે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. આ સમયે ગણેશભક્તોનો ઉત્સાહ જોવા લાયક હતો. ગણપતિ બાપ્પાની વિદાય વખતે કાયમ મન ભરી આવે છે. આ વખતે પણ મન ભાવૂક થયુ હતું.
આખા મહારાષ્ટ્રમાં ઉત્સાહભેર ગણપતી ઉત્સવ મનાવવામાં આવ્યો. બાપ્પાની વિસર્જન યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા. આ સમયે પ્રસારમાધ્યમોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પૂછ્યુ હતું કે, તમે આ વખતે ગણપતિ બાપ્પા પાસે શું માંગ્યું? જેના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, ગણપતી બાપ્પા આવ્યા એ જ દિવસે બાપ્પા પાસે આખા મહારાષ્ટ્રમાં સુજલામ સુફલામ કરો, ખેડૂતોનું સંકટ દૂર કરો એવી માંગણી કરી હતી, ખેડૂતોને સારા દિવસો બતાવો, રાજ્યમાં સારો વરસાદ થવા દો, સારો પાક થવા દો, રાજ્યના દરેક નાગરીકના જીવનમાં સુખ, સમાધાન અને ખૂશીના દિવસ આવે એવી પ્રાર્થના કરી હતી.