CM એકનાથ શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર આરોપીની પુણેથી અટક
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના દીકરા વિધાનસભ્ય શ્રીકાંત શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપતી પોસ્ટ કરનાર એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ પોસ્ટ બદલ 19 વર્ષના એક યુવાનની પોલીસે અટક કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
આ આરોપી આઇટી કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે. આ આરોપી વિદ્યાર્થી નાંદેડ જિલ્લાનો છે અને પુણેમાં રહે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ સોશિયલ મીડિયા પર ગુંડો કેવો રીતે બનવું એ વિષય પર એક પોસ્ટના જવાબમાં મુખ્ય પ્રધાન શિંદેને ધમકી આપતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં “જે મુખ્ય પ્રધાનને ટાર્ગેટ કરવા તૈયાર છે, તેને હું બંદૂક આપીશ” એવું લખ્યું હતું.
આ પોસ્ટની પોલીસને જાણ થતાં પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપીના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તાપસ કરી તેને તાબામાં લીધો હતો. મુખ્ય પ્રધાન શિંદે અને તેમના દીકરા શ્રીકાંત શિંદે સામે આ પ્રકારની પોસ્ટ બાબતે મુંબઈની પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી અને પુણે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ શરૂ છે એવી માહિતી સૂત્રોએ આપી હતી.