આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શિંદેનું રાજીનામું: નવા મુખ્ય પ્રધાનની જાહેરાતનું સસ્પેન્સ અકબંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના વડા એકનાથ શિંદેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું, રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પછી પણ નવા મુખ્ય પ્રધાન તરીકે તેમના સ્થાને કોણ આવશે તેનું સસ્પેન્સ અકબંધ રહ્યું છે.

દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વે દેવેન્દ્ર ફડણવીસને ત્રીજી વખત મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય કરી નાખ્યો છે, પરંતુ ભાજપ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

શિંદે અને ફડણવીસ મંગળવારે વહેલી સવારે મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસમાં 26/11ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમમાં સાથે જ હતા, પરંતુ તેમના વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થઈ હોવાનું જોવા મળ્યું હતું.

શિંદેનું રાજીનામું તેમના શિવસેના પક્ષની અંદરથી વધતા દબાણ વચ્ચે આવ્યું હતું કે તેઓ આ પદ પર ચાલુ રહે કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અને જીતવામાં આવી હતી.

નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે, એકનાથ શિંદે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું સુપરત કરવા માટે અગાઉ રાજભવન ખાતે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

ત્યારબાદ રાજ્યપાલે શિંદેને નવા મુખ્ય પ્રધાન શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી કાર્યવાહકની ભૂમિકામાં ચાલુ રહેવા વિનંતી કરી હતી, એમ રાજભવનના એક અધિકારીએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉની વિધાનસભાની મુદત મંગળવારે સાંજે પાંચ વાગ્યે પૂરી થઈ ગઈ છે અને હવે રાજ્યમાં સંક્રમણ કાળ લાગુ થઈ ગયો છે.

ભાજપના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે રાજ્યમાં નવી સરકારના ગઠનમાં પાંચ-છ દિવસ લાગી શકે છે કેમ કે કેન્દ્રીય ટીમ મુંબઈ આવશે અને તેઓ વિધાનસભ્યોને મળીને માહિતી મેળવ્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે.

શાસક મહાયુતિ ગઠબંધને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને 288 બેઠકોમાંથી 230થી વધુ બેઠકો મેળવી હતી. ભાજપને 132 સીટો મળી હતી, ત્યારબાદ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીને 41 સીટો મળી હતી. આ ઉપરાંત પાંચ અપક્ષ સભ્યોએ ભાજપને સાથ આપવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

આ પણ વાંચો :મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપ્યુ રાજીનામું

શિંદે કેબિનેટના પ્રધાન દીપક કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે નવી સરકાર વહેલી તકે શપથ લેશે.

પ્રચંડ જીત છતાં મહાયુતિમાં આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે મતભેદો થઈ રહ્યા છે. મુખ્યત્વે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાનપદના મુખ્ય ઉમેદવાર માનવામાં આવે છે.

કેસરકરે કહ્યું હતું કે, શિવસેનાની કેડર ઇચ્છે છે કે આગામી મુખ્ય પ્રધાન તેમની પાર્ટીમાંથી બને, અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર રહેશે અને તેઓ જે નિર્ણય લેશે તે પાર્ટી સ્વીકારશે.

આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે તેના પર મહાયુતિનો નિર્ણય વિલંબમાં પડશે તેવા સંકેતો મળી રહ્યા હતા, કારણ કે મંગળવારે સવારે રાજ્યપાલે એકનાથ શિંદેને રાજીનામું આપ્યા પછી રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે કાર્ય કરવા કહ્યું હતું.
શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ એકનાથ શિંદેને ચાલુ રાખવા ઈચ્છે છે, જે દર્શાવે છે કે સેનાએ તેમનો દાવો નકારી કાઢ્યો નથી.

અજિત પવારની એનસીપીએ હજુ સુધી તેનું પત્તું ખોલ્યું નથી, જોકે પક્ષના વરિષ્ઠ નેતા છગન ભુજબળે તાજેતરમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાનપદે ફડણવીસ તેમને સ્વીકાર્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button