આમચી મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એલ્વિશ યાદવ વિરુદ્ધ આપી આવી પ્રતિક્રિયા

મુંબઈ: દેશના નાગરિકો પર જાદુ ચલાવનારા યુ-ટ્યૂબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપ્યા બાદ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી હતી.

ઉત્તર પ્રદેશમાં નોઈડા શહેરમાં સેક્ટર-૪૯ પોલીસ સ્ટેશનમાં એલ્વિશ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં અન્ય પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત એલ્વિશની પણ ધરપકડ થાય એવી શક્યતા રહેલી છે. યુ-ટ્યૂબર અને બિગ બોસ ઓટીટી-ટુના વિજેતા એલ્વિશ યાદવ પર એવો આરોપ છે કે તે રેવ પાર્ટીનું આયોજન કરે છે અને ત્યાં આવતા લોકોને સાપનું ઝેર અને વિદેશી યુવતી પૂરી પાડે છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સરકારી નિવાસસ્થાન વર્ષા પર ગણેશોત્સવ નિમિત્તે એલ્વિશ યાદવ હાજર હતો. તેના હસ્તે ગણપતિની આરતી પણ કરવામાં આવી હતી. આને કારણે આ ફોટો હાલમાં વાઈરલ થયો હોવાથી વિરોધ પક્ષને એકનાથ શિંદેને ટાર્ગેટ કરવાનો મોકો મળી ગયો છે.

હંમેશાં સરકારને સાણસામાં લેવા માટે તત્પર રહેતા સંજય રાઉતે કહ્યું હતું કે એલ્વિશ યાદવ મુખ્ય પ્રધાનના ઘરે જાય છે. તેને એમના જ જૂથના એક સાંસદ લઇ જાય છે. એ સાંસદ જે પોતે ડ્રગ્સનું સેવન કરે છે. વર્ષા બંગલા પર એલ્વિશને કોણે આમંત્રિત કરવામાં આવ્યો હતો, એવો સવાલ રાઉતે કર્યો હતો.

આ અંગે એકનાથ શિંદેએ સંજય રાઉતને વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે વિરોધીઓને શું કામ છે? અમે કામ કરીએ છીએ અને વિરોધીઓ પાસે કોઇ કામ બચ્યું નથી કે શું? દરરોજ આરોપ કરવા એ જ વિરોધીઓનું કામ રહી ગયું છે. અમે કામ કરીને જ જવાબ આપીએ છીએ. તેઓએ બંધ કરેલા પ્રોજેક્ટને અમે શરૂ કર્યા. તમે ઈગો રાખીને અનેક કામો બંધ કર્યાં હતાં, એ રાજ્યકર્તા નથી. અહંકારી વૃત્તિથી રાજ્ય ચાલતું નથી. આથી અમે તેઓના બોલવા પર લક્ષ દેતા નથી. સવારે ઊઠ્યા બાદ તેઓ પાસે બીજું કોઇ કામ જ બચ્યું નથી, એવું શિંદેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button