આમચી મુંબઈ

ગણેશ ઉત્સવ પહેલાં મહારાષ્ટ્ર પ્રધાન મંડળનું વિસ્તરણ: વધુ 14ને મળી શકે છે સ્થાન: ત્રણે પક્ષના સિનિયર નેતાઓની બેઠક

મુંબઇ: રાજ્ય પ્રધાન મંડળના ત્રીજા વિસ્તરણ માટેની તજવીજ હાથ ધરાઇ છે. ગણેશોત્વસ પહેલાં આ વિસ્તરણ થવાની શક્યતાઓ છે. ત્યારે પ્રધાન મંડળમાં વધુ 14ને તક મળી શકે છે. જેમાં ભાજપની ભાગીદારી અન્ય બે પક્ષો કરતાં વધુ હશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

રાજ્ય પ્રધાન મંડળનું પેહલું વિસ્તરણ 9મી ઓગષ્ટના રોજ થયું હતું. તે વખતે શિંદેની શિવસેના 9 અને ભાજપના 9 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદીના અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે અને અન્ય આઠ નેતાઓએ કેબિનેટ મિનિસ્ટર તરીકે 2જી જુલાઇના રોજ શપથ લીધી હતી. ત્યારે હવે શિંદે-ફડણવીસ-પવાર સરકારનું ત્રીજું વિસ્તરણ જલદી જ થશે એમ કહેવાઇ રહ્યું છે.


પ્રધાન મંડળના વિસ્તરણ બાબતે રાષ્ટ્રવાદીના બે નેતાઓ ભાજપના વરિષ્ઠોને દિલ્હી જઇને મળ્યા હતાં. તમે ત્રણે પક્ષના નેતાઓ મુંબઇમાં એક સાથે બેસો પ્રધાન મંડળની વહેંચણી અને નામો નક્કી કરો અને ફરી દિલ્હી આવો એમ ભાજપના વરિષ્ઠોએ તેમને કહ્યું હતું. ત્યાર બાદ મુંબઇમાં ત્રણે પક્ષના ઉચ્ચ નેતાઓની એક બેઠક યોજાઇ હતી એવી માહીતી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે. બે-ત્રણ દિવસમાં ફરી એક બેઠક યોજાય તેવી શક્યતાઓ છે.


સંસદનું પાંચ દિવસનું અધિવેશન 18મી સપ્ટેમ્બરથી શરુ થનાર છે. તે પહેલાં પ્રધાનોની યાદીને દિલ્હીમાંથી મંજૂરી મળી જાય તેવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પ્રયાસ છે. કહેવાઇ રહ્યું છે કે આ વિસ્તરણમાં સૌથી વધુ માથાનો દુ:ખાવો એકનાથ શિંદેને છે. તેમની સાથે શિવસેનાના 40 અમે અપક્ષના 10 વિધાનસભ્યો આવ્યા હતાં. આ લોકોને બાદ કરી માત્ર નવને પ્રધાન પદ આપવામાં આવ્યું છે. હવે વધુ ત્રણ કે વધારેમાં વધારે 4ને પ્રધાન પદ આપવામાં આવે તો તેમાં કોનું કોનું સમાધાન કરવું, એવો પ્રશ્ન એમની સામે ઊભો છે.


હાલમાં ભાજપના 10, શિવસેનાના 10 અને રાષ્ટ્રવાદીના 9 કેબિનેટ પ્રધાન છે. મુખ્ય પ્રધાન સહિત 43 લોકો પ્રધાન મંડળમાં હોઇ શકે છે. એનો અર્થ એ છે કે 14 પદો હજી ખાલી છે. તેમાંથી રાષ્ટ્રવાદીના ભાગનું એક પદ ખાલી છે. એ રાષ્ટ્રવાદીને આપવામાં આવશે. બચેલા 13 પદોમાં 7 ભાજપને, શિવસેનાને 3 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથને 3 પદ આપવામાં આવે તેવી શક્યતાઓ વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button