આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!

વિધાનસભાની ચૂંટણી પહેલા શિંદે સરકારનું બજેટાસ્ત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થાય અને વિધાનસભાની ચૂંટણી યોજાય તેને ગણતરીના મહિના બાકી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરાંત મહિલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. એકનાથ શિંદેની સરકાર તરફથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભાના ચાલી રહેલા ચોમાસું સત્ર દરમિયાન સંત તુકારામ મહારાજનું નામ લઇને બજેટ રજૂ કર્યું હતું, જેમાં કેન્દ્રમાં મધ્યમ વર્ગ અને મહિલાઓને રાખવામાં આવ્યા હતા તેમ જ ખેડૂતો માટે પણ ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના દેખાવને ધ્યાનમાં રાખતા અને આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા સરકાર માટે આ બજેટ અત્યંત મહત્ત્વનું પૂરવાર થશે અને કદાચ એટલા માટે જ સામાન્ય નાગરિકોને રાહત થાય એ રીતની જોગવાઇઓ બજેટમાં કરવામાં આવી હતી, મુંબઈ, થાણે તેમ જ નવી મુંબઈમાં પેટ્રોલ તેમ જ ડીઝલના ભાવમાં ઘટાડો, મહિલાઓને માસિક 1,500 રૂપિયાની ત્રણ સિલિન્ડર મફત જેવી જાહેરાત અજિત પવારે બજેટ રજૂ કરતા સમયે કરી હતી. આ ઉપરાંત અન્ય વિકાસ અને લોકકલ્યાણના કાર્યોની યોજના બજેટ દરમિયાન જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Assembly Election પૂર્વે રોહિત પવારે Ajit Pawar માટે કર્યો મોટો દાવો

મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું

પેટ્રોલ અને ડીઝલ ઉપર રાજ્ય સરકાર તરફથી ઝીંકવામાં આવતા કરમાં(વેટ-વેલ્યુ એડેડ ટેક્સ) ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ જાહેરાતને પગલે મુંબઈ ક્ષેત્રમાં ડિઝલ પર મૂકવામાં આવેલો 24 ટકાનો કર ઘટાડીને 21 ટકા કરવામાં આવ્યો છે. જેને પગલે મુંબઈ ક્ષેત્રમાં ડિઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે પેટ્રોલ પરનો કર 26 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવતા પેટ્રોલની કિંમતમાં 65 પૈસાનો ઘટાડો થશે. આ ઘટાડો મુંબઈ, નવી મુંબઈ અને થાણે વિસ્તારમાં લાગુ થશે. વેટમાં ઘટાડો કરતા સરકારને કરની વસૂલાતમાં 200 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.
લાડકી બહેન યોજના માટે 46,000 કરોડ રૂપિયાની ફાળવણી

સરકાર દ્વારા રાજ્યની 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓ માટે મુખ્ય પ્રધાન મારી લાકડી બહેન યોજના જાહેર કરવામાં આવી હતી, જેના અંતર્ગત આ વય જૂથની મહિલાઓને સરકાર તરફથી દર મહિને 1,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સહાય આપવા માટે યોજના માટે 46,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
અન્નપૂર્ણા યોજના અંતર્ગત ત્રણ સિલિન્ડર મફત

સરકાર દ્વારા પાંચ વ્યક્તિના કુટુંબ માટે વાર્ષિક ધોરણે ત્રણ મફત સિલિન્ડર આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ યોજનાને અન્નપૂર્ણા યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજના મુજબ યોજના માટે પાત્ર ઠરતા પાંચ વ્યક્તિના કુટુંબને વર્ષમાં ત્રણ મફત સિલિન્ડર સરકાર તરફથી પૂરા પાડવામાં આવશે. એટલે કે આર્થિક કટોકટીમાં જીવી રહેલા કુટંબોને વર્ષના ત્રણ રાંધણ ગેસ મફત સરકાર તરફથી આપવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને

ખેડૂતોનું વીજળીનું બિલ માફ, પ્રતિ હેક્ટર પાંચ હજારની સહાય

બજેટ દરમિયાન ખેડૂતો માટે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં 40 તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ને એ માટે ઇ-પંચનામા સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. પહેલાથી ચાલી આવતી એક રૂપિયામાં પાકના વીમાની યોજના સરકારે યથાવત રાખવા ઉપરાંત ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી હતી.

આ સિવાય ગામ ત્યાં જ ગોદામની યોજના પણ લાગુ કરવામાં આવશે તેમ જ જૂના ગોદામોનું સમારકામ પણ કરવામાં આવશે. રાજ્યમાં કૃષિ પંપને લગતા વીજળીના બધા જ બિલ માફ કરવાની જાહેરાત કરતા ખેડૂતોને મોટો દિલાસો મળશે.
વિદ્યાર્થિનીઓના શિક્ષણનો ખર્ચ માફ, પરીક્ષા ફી પણ નહીં વસૂલાય

બેટી પઢાઓ બેટી બઢાઓના નારાને સાર્થક કરતી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા રાજ્યમાં આઠ લાખ રૂપિયા કરતાં ઓછી આવક ધરાવતા કુટુંબની દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મફત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એન્જિનિયરીંગ, આર્કિટેક્ચર, મેડિકલ તેમ જ એગ્રિકલ્ચર ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માગતી અને આઠ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતી વિદ્યાર્થીનીઓ માટે કોલેજમાં પ્રવેશ એટલે કે એડમિશન ફી અને એક્ઝામ એટલે કે પરિક્ષાની ફી માફ કરવામાં આવશે. આના કારણે રાજ્યની 2,05,000 વિદ્યાર્થીનીઓને લાભ મળશે.

આ પણ વાંચો : Yogi માફક હવે Eknath શિંદે રાજ્યમાં ગુનેગારોને ભણાવશે પાઠ

શુભમંગલ યોજનાની રકમ વધારી 20,000

રાજ્ય સરકાર દ્વારા વિવાહિત મહિલાઓ માટે શુભમંગલ યોજના પહેલાથી ચલાવવામાં આવી રહી છે. જોકે આ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વિવાહિત મહિલાને આપવામાં આવતી રકમ 10,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવામાં આવી છે.
અન્ય મહત્ત્વપૂર્ણ યોજના

— રાજ્યની મહિલાઓને રોજગાર મળી રહે અને તે આર્થિક રીતે સદ્ધર થઇ શકે એ માટે 10,000 પિંક રિક્ષા સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત નવી એમ્બ્યુલન્સ પણ ખરીદવામાં આવશે.
— આ વર્ષે પચ્ચીસ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાની સરકારની યોજના છે.
— પશુપાલન કરનારા દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયાનું અનુદાન પહેલી જુલાઇથી અપાશે.
—- રાજ્યમાં નવી મેડિકલ કોલેજો તેમ જ 450 બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલો બનાવવામાં આવશે.
— યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના અંતર્ગત દર વર્ષે રાજ્યના 10 લાખ યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવશે. દર વર્ષે તેમને દસ હજાર રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો