લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મહારાષ્ટ્રએ કમર કસી…
મુંબઈ: સાતમી મેના મંગળવારના આખા દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન યોજવામાં આવશે અને તેમાં મહારાષ્ટ્રની અગિયાર બેઠકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના રાજકારણીઓએ પણ આ મતદાન માટે પૂરી તૈયારી કરી લીધી છે અને તમામ મહત્ત્વની બેઠકો માટે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા પણ બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન 2.9 કરોડ પાત્ર મતદારો મતદાનની ફરજ બજાવશે અને તેમના માટે 23,036 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કુલ 258 ઉમેદવારના ભાવિનો નિર્ણય ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન થશે.
જોકે, આ દરમિયાન બધાની નજર મુખ્યત્વે સોલાપુર, બારામતી, રત્નાગિરી-સિંધુદુર્ગ અને લાતુર જેવી બેઠકોના ફેંસલા ઉપર હશે, કારણ કે બારામતીમાં પવાર કુટુંબના બે ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.
બારામતીમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે શરદ પવાર જૂથના એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) તરફથી ઉમેદવાર છે, જ્યારે તેમની સામે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અજિત પવાર જૂથની એનસીપીના ઉમેદવાર તરીકે ઊભા છે.
બીજી બાજુ રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ઊભા છે. સોલાપુરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેના પુત્રી પ્રણિતી શિંદે ઉમેદવાર છે અને લાતુર પણ કૉંગ્રેસના દિગ્ગજ નેતા તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગીય વિલાસરાવ દેશમુખનો ગઢ માનવામાં આવે છે. એટલે આ બેઠકો જીતવી મહાયુતિ માટે મહત્ત્વની ગણાય છે.
કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ મહારાજ કૉંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રખાયા છે જ્યારે સાતારામાં ઉદયનરાજે ભોંસલે ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. જેને પગલે આ બેઠકો પર પણ ક્યા દિગ્ગજ જીતે છે તેના પર બધાની નજર છે.