ભાજપનું મુંબઈમાં મૌન વિરોધ પ્રદર્શન: એમવીએ પર ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ‘સત્યાચાર મોરચા’નો સામનો કરવા માટે મહારાષ્ટ્ર ભાજપે શનિવારે ‘મૌન વિરોધ’ કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે વિપક્ષ પાલિકાની ચૂંટણીઓ પહેલા ‘ફેક નેરેટિવ ફેલાવવાનો’ પ્રયાસ કરી રહ્યો છે.
દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મોં પર કાળી પટ્ટી બાંધીને આંદોલન કર્યું હતું.
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનનો હેતુ ચૂંટણીઓ પહેલા એમવીએ દ્વારા ખોટી વાતો ફેલાવવાના કથિત પ્રયાસોનો પર્દાફાશ કરવાનો છે.
‘એમવીએના નેતાઓએ દરેક ચૂંટણી પહેલા સતત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ ઇરાદાપૂર્વક બંધારણમાં સુધારા અંગે ખોટા દાવા ફેલાવતા હતા,’ એમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે કેટલાક વિપક્ષી નેતાઓ, વિદેશમાં સ્થિત વ્યક્તિઓ અને એનજીઓ સાથે મળીને ખોટી માહિતી ફેલાવીને સમાજ અને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ‘કેટલીક એનજીઓના નામ અને તેમના ભંડોળના સ્ત્રોત હવે દુનિયા સમક્ષ આવી ગયા છે,’ એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)નો સમાવેશ કરતી એમવીએએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે મળીને મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ રેલી યોજી હતી, જેમાં વિપક્ષે એવો દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપને મદદ કરવા માટે ગેરરીતિઓ આચરી રહી છે.
આ પણ વાંચો…સત્યચા મોરચામાં હજારોની મેદનીઃ આ કૉંગ્રેસ નેતાઓ પણ જોડાયા…



