મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભ્યોની બેઠક યોજી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં શાસક ભાજપે બુધવારે અહીં તેના રાજ્યના મુખ્યાલય ખાતે તેના ભૂતપૂર્વ સાંસદો અને વિધાનસભા સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણના નેતૃત્વમાં બુધવારે આ બેઠક યોજાઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાવાની શક્યતા છે.

વ્યૂહરચનાના ભાગ રૂપે, દરેક ભૂતપૂર્વ સંસદસભ્ય અને વિધાનસભ્યોને પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે એક મંડલ (પક્ષ એકમ) અપનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, એમ પક્ષના એક નિવેદનમાં જણાવાયું છે.

ચર્ચા-વિચારણા દરમિયાન સંગઠનાત્મક સ્થિતિની જિલ્લાવાર સમીક્ષા કરવામાં આવી હતી. બૂથ-સ્તરે ગતિશીલતા, પદાધિકારીઓને જવાબદારીઓ સોંપવા અને સંપર્ક ઝુંબેશનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પાર્ટીએ તેના કાર્યકર્તાઓને ઊર્જા આપવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે સુનિશ્ર્ચિત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, એમ આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ ભાજપના મહારાષ્ટ્ર એકમના નવા પ્રમુખ…