મહારાષ્ટ્રમાં Bike Taxiને મંજૂરી, દેશમાં તેરમું રાજ્ય બન્યું

મુંબઈ: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને અન્ય શહેરોના વિસ્તારમાં બાઈક ટેક્સી માટે મંજૂરી આપી દીધી છે. આ સમાચાર રેપીડો, ઓલા અને ઉબેર જેવી કંપનીઓ માટે આવકારદાયક છે.
મોબાઈલ એપ્લિકેશન આધારિત વ્યવસ્થા તંત્ર પાસે ઓછામાં ઓછા 50 ટુ વ્હીલર વાહનનો કાફલો હોવો જરૂરી છે. રજીસ્ટ્રેશન ફી પેટે એક લાખ રૂપિયા તંત્ર પાસેથી લેવામાં આવશે. જેની પાસે દસ હજારથી વધુ વાહનોનો કાફલો હશે તેમણે ફી પેટે પાંચ લાખ રૂપિયા ભરવાના રહેશે એવી જાણકારી રાજ્ય સરકારે તૈયાર કરેલી નિયમવાલીમાં રજૂ કરવામાં આવી છે.
બાઈક ટેક્સીને મુંબઈમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં અને અન્ય શહેરોમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. બધી બાઇકમાં જીપીએસની સગવડ હોવી ફરજિયાત છે એમ નિયમાવલીમાં જણાવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન અને બાઈક પાઇલટ પણ કંપનીઓ માટે ફરજિયાત છે.
આ પણ વાંચો: મોડી રાતે કેમ CM Eknath Shindeના ઘરે પહોંચ્યા Anant Ambani સાથે Mukesh Ambani?
રાજ્ય પરિવહન આયુક્ત વિવેક ભીમનવારે જણાવ્યું હતું કે ‘અન્ય વિગતો સાથે સરકારી ઠરાવ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ એપ આધારિત સર્વિસ હશે અને એનાથી મુસાફરોને ઘણી રાહત મળશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પણ બાઈક ટેક્સીને કારણે હળવી બનશે.
સરકારના વાહનો અંગેના રજિસ્ટ્રેશન અનુસાર મુંબઈમાં છ લાખ સ્કૂટર સાથે 28 લાખ ટુ વ્હીલર દોડતા હોય છે. સરકારની માન્યતા પછી ટેક્સી, ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયનોએ સલામતી અને અન્ય કારણોસર આ નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક પછી મહારાષ્ટ્ર બાઈક ટેક્સીને માન્યતા આપનારું મહારાષ્ટ્ર 13મું રાજ્ય બનશે.