ખેડૂતો વિરુદ્ધ ટિપ્પણી: લોણીકર માફી માગે વિપક્ષે કરી ધમાલ, ગૃહની કાર્યવાહી સ્થગિત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ખેડૂતો વિરુદ્ધ ટિપ્પણી: લોણીકર માફી માગે વિપક્ષે કરી ધમાલ, ગૃહની કાર્યવાહી સ્થગિત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરે ખેડૂતો અંગે કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી અંગે તેઓ ખેડૂતોની માફી માગે એવી માગણી સાથે વિધાનસભામાં વિપક્ષે કરેલી ધમાલને પગલે વિધાનસભાની કાર્યવાહી દસ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી.

થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના નેતા કહેતા હતા કે, ખેડૂતોએ આ સરકારની ટીકા ન કરવી જોઈએ કારણ કે તેઓ અનેક રીતે સરકારની ઉદારતાનો લાભ મેળવતા રહ્યા છે.

કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળના વિપક્ષી વિધાનસભ્યોએ લોણીકર માફી માગે એવી માગણી કરી હતી.

આ પણ વાંચો: લોણીકર અને વિવાદ: ‘અમે બધુ આપ્યું છે…’ નિવેદન પર ૧૦૦ વાર માફી માંગવા તૈયાર

તેમણે કોઈ પણ વાંધાજનક નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. ‘મારા પર એવા આરોપ મૂકવામાં આવી રહ્યા છે જે મેં ક્યારેય કહ્યું જ નથી. આ બધું રાજકીય રીતે પ્રેરિત છે,’ એમ તેમણે ગૃહને જણાવ્યું હતું.

વડેટ્ટીવાર, ઠાકરે અને અન્ય વિપક્ષી વિધાનસભ્યોએ આમ છતાં તેમનો દાવો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તેઓ બિનશરતી માફી માગે એવો આગ્રહ રાખ્યો હતો.

લોણીકર પોતાના દાવા પર અડગ રહ્યા ત્યારે વિપક્ષી વિધાનસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હોબાળા વચ્ચે સ્પીકરે કાર્યવાહી દસ મિનિટ માટે સ્થગિત કરી હતી.

ગયા અઠવાડિયે જાલનામાં એક કાર્યક્રમમાં આપેલા ભાષણને કારણે લોણીકર ટીકાનો ભોગ બન્યા છે.
‘અમે તેમને (ખેડૂતોને) કપડાં, પગરખાં, ફોન આપ્યા છે, છતાં તેઓ અમારી ટીકા કરે છે. પીએમ મોદીએ વાવણી માટે 6,000 રૂપિયા આપ્યા, બાકીના રાજ્ય આપે છે. અમે બીજાઓને, તેમની બહેનો અને પુત્રીઓને પૈસા આપીએ છીએ અને (તેમના) પિતાઓને પેન્શન આપીએ છીએ,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button