મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
ફક્ત અજિત પવાર જ નહીં, રાજ્યના છ પરિવારોમાં છે કલહ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓએ રાજ્યભરમાં ભીષણ આંતર-પારિવારિક લડાઈઓ ઉભી કરી છે, જેમાં ઓછામાં ઓછા છ થી સાત મતવિસ્તારોમાં પરિવારના સભ્યો સત્તા માટે એકબીજા સામે લડતા જોવા મળે છે. આ વલણ દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત વફાદારી રાજકીય મહત્વાકાંક્ષા સાથે અથડામણ કરી રહી છે.
આ પણ વાંચો : Assembly Election: સંભાજીનગરમાં ઠાકરેને ફટકો, તનવાણીએ ઉમેદવારી પાછી ખેંચી
વિદર્ભના અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત અહેરી મતવિસ્તારમાં ધર્મરાવ બાબા અત્રામ અને તેમની પુત્રી, ભાગ્યશ્રી અત્રામ-હલગેકર વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. અહેરીના ભૂતપૂર્વ રાજાના વંશજો, અત્રામ માટે સત્તા નવી વાત નથી. ધર્મરાવના ભત્રીજા, અંબરીશરાવ અત્રામ ભૂતપૂર્વ ભાજપના પ્રધાન રહી ચૂક્યા છે અને તેઓ પણ અપક્ષ તરીકે મેદાનમાં છે, જે સંઘર્ષમાં વધારો કરે છે. ધર્મરાવે ભાગ્યશ્રી અને તેના પતિ વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કર્યા પછી તણાવ વધ્યો છે, તેમણે મતદારોને વિનંતી કરી હતી કે ‘તેમને વિશ્વાસઘાતી કહેવાય તેથી તેમને ‘પ્રાન્હિતા નદી’ માં ફેંકી દો.’
મરાઠવાડામાં પણ આવી કેટલીક લડાઈઓ જોવા મળી રહી છે. નાંદેડમાં, ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા પ્રતાપરાવ પાટીલ-ચિખલીકર અજિત પવારના એનસીપી જૂથમાં જોડાયા અને લોહા-કંધાર બેઠક માટે ટિકિટ મેળવી. તેઓ તેમના સાળા શેકાપના શ્યામસુંદર શિંદે સામે ચૂંટણી લડી રહ્યા છે. ભૂતપૂર્વ અમલદાર અને વર્તમાન વિધાનસભ્ય શિંદે ગત વિધાનસભા ચૂંટણીમાં ચીખલીકરના સમર્થનથી જીત્યા હતા. આ વખતે કૃષિ પેદાશ બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી દરમિયાન બંને વચ્ચે અથડામણ થયા બાદ કૌટુંબિક તણાવ ઉભો થયો હતો, જ્યાં બંને પક્ષોએ એકબીજાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : તો શું સદા સરવણકર માહિમ બેઠક પરથી ઉમેદવારી પાછી લેશે?
એક રાજકીય નિરીક્ષકે જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના રાજકારણના વિભાજનથી મોટા રાજકીય પરિવારોને ફાયદો થયો છે જેઓ લાંબા સમયથી સત્તા ભોગવી રહ્યા છે.’
બુલઢાણાના સિંદખેડરાજા મતવિસ્તારમાં પારિવારિક તકરાર ચાલુ છે, જ્યાં ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર શિંગણે, જેઓ તાજેતરમાં એનસીપી (એસપી) જૂથમાં પાછા ફર્યા છે, તેમની ભત્રીજી ગાયત્રી શિંગણે સામે સ્પર્ધાનો સામનો કરે છે. બુલઢાણામાં એનસીપી મહિલા પાંખનું નેતૃત્વ કરતી ગાયત્રી પોતાની નિરાશા અંગે અવાજ ઉઠાવી રહી છે. શું આ આપણી વફાદારીનું ઈનામ છે? તેણીએ તેના કાકાના પુન: પ્રવેશથી નિરાશ થઈને પ્રશ્ર્ન કર્યો હતો.
બારામતીમાં, એનસીપીના અજિત પવારનો એનસીપી (એસપી) જૂથમાંથી તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર સામે મુકાબલો હોવાથી હાઇ-પ્રોફાઇલ યુદ્ધ ચાલી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થયા પછી, અજિત પવાર મહાયુતિ ગઠબંધનમાં જોડાયા અને 45 ધારાસભ્યો સાથે ઉપમુખ્યમંત્રી બન્યા. અગાઉ, 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની પત્ની સુનેત્રા પવારે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી, તેઓ હાર્યા હતા. હવે, બારામતી પવાર પરિવારમાં બીજી એક સીધી અથડામણનું સાક્ષી બની રહ્યું છે, વિશ્લેષકો આ લડાઈને અજિત પવાર માટે એનસીપીના ભાવિ પર પોતાનો દાવો મજબૂત કરવા માટે નિર્ણાયક તરીકે જુએ છે.
આ પણ વાંચો : અજિત પવારે બહાર પાડી ત્રીજી યાદી, એક બેઠકમાં થયું સમાધાન
અન્ય મતવિસ્તારોમાં, સમાન પારિવારિક વિવાદો બહાર આવવાની અપેક્ષા છે. બીડમાં જયદત્ત ક્ષીરસાગરનો સામનો એનસીપી (એસપી) તરફથી તેમના ભત્રીજા સંદીપ ક્ષીરસાગર સાથે છે. અહેમદનગરના સિટી મતવિસ્તારમાં, સંદિપ કોટકર તેમના સાળા અને વર્તમાન વિધાનસભ્ય સંગ્રામ જગતાપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. ચાંદવડ નાસિકમાં ભાજપના ઉમેદવાર ડો. રાહુલ આહેર તેમના ભાઈ કેડા આહેરનો મુકાબલો કરશે, જેમણે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.