મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર થશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે અટકળો ચાલી રહી છે. ચૂંટણી પંચ મંગળવારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે પણ એવું જ કરવામાં આવે એવી પણ શક્યતા છે.
સોમવારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ કેબિનેટની બેઠક બોલાવી ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાતની શક્યતા મજબૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, વર્તમાન શિંદે સરકારની આ છેલ્લી કેબિનેટની બેઠક હતી. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધીનો છે.
ગયા મહિને સીઈસી રાજીવ કુમારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસ. એસ. સંધુ સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષકો, પાલિકા કમિશનરો, વિભાગીય કમિશનરો અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કહ્યું કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવા દેવામાં આવશે નહીં. તેમણે જિલ્લા ચૂંટણી અધિકારીઓને રાજ્યમાં મતદાનના દિવસે મતદારોની કતારોનું યોગ્ય સંચાલન સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગયા વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
મહારાષ્ટ્રમાં ગયા વખતે એટલે કે વર્ષ 2019માં 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં લગભગ 61.4 ટકા મતદાન થયું હતું. આ સાથે 24 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ગયા વખતે કુલ પાત્ર મતદારોની સંખ્યા 8 કરોડ 95 લાખથી વધુ હતી. જો કે આ વખતે આ આંકડો પણ વધ્યો છે.
2019ની વિધાનસભા ચૂંટણીના મહત્ત્વના મુદ્દા
કુલ બેઠકો- 288
એસસી માટે અનામત-29
એસટી માટે આરક્ષિત- 25
મતદારોની સંખ્યા- 8,95,62,706
ગયા વખતે મતદાન મથકો – 95,473
21 ઓક્ટોબર 2019ના રોજ તમામ બેઠકો પર એક તબક્કામાં મતદાન થયું હતું.
પરિણામો 24 ઓક્ટોબર 2019 ના રોજ આવ્યા
2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
ભાજપ- 105
કોંગ્રેસ-44
એનસીપી (અવિભાજિત)-54
શિવસેના (અવિભાજિત)-56
એસપી-2
એઆઈએમઆઈએમ-2
સીપીઆઈ(એમ)-1
2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.