આમચી મુંબઈનેશનલ

કલિનાની બેઠક ભાજપના ફાળેઃ બોરીવલી, ઘાટકોપરનું શું?

મુંબઈઃ મુંબઈની બેઠકો મામલે મહાયુતીમાં હજુ સર્વસંમતિ ન સધાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બેઠકોમાં એક કલિનાની બેઠક પણ હતી. આ બેઠક શિંદેસેનાને ફાળે આવશે અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ક્રિષ્ણા હેગડેને આ બેઠક મળશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મળતી માહિતી અનુસાર હેગડેએ પોતાના સ્તરે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને સાહિત્ય પણ તૈયાર થી રહ્યું હતું, પરંતુ આ બેઠક ભાજપને ફાળે ગઈ છે અને અહીંથી અમરજીત સિંહ ચૂંટણી લડવાના હોવાની ખબર મળી છે.

આ અંગે ક્રિષ્ણા હેગડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુતી હોય ત્યારે આવા સમાધાન કરવા પડતા હોય છે. મારી ઈચ્છા હતી આ બેઠક પરથી લડવાની પણ હવે ભાજપના ઉમેદવારને ફાળે ગઈ છે તો હું તેમની જીત માટે કામ કરીશ.
જોકે સૂત્રોનું માનીએ તો કાલિનાની બેઠક પર ક્રિશ્ચન અને મુસ્લિમ મતોની પણ સારી એવી સંખ્યા છે, જે ભાજપને મળવા મુશ્કેલ છે.

આ પણ વાંચો….ઓ સાહેબો, હવે તો ઉમેદવારો જાહેર કરો, કાલે છેલ્લો દિવસ છે

જોકે હજુ પણ ઘાટકોપર અને બોરીવલીની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. આ બેઠકો ભાજપના હાથમાં જ છે અને બન્ને વિધાનસભા બેઠક હાલમાં ભાજપના હાથમાં જ છે. ગુજરાતીઓના વર્ચસ્વવાળી આ બેઠકો પર હાલમાં અનુક્રમે પરાગ શાહ અને સુનીલ રાણે છે. બન્નેના નામ પહેલી યાદીમાં જ જાહેર થશે તેવી અપેક્ષા હતી, પરંતુ આમ ન થતાં અટકળોનું બજાર ગરમાયું છે. ઘાટકોપર પૂર્વની બેઠક પર પૂર્વ સાંસદ મનોજ કોટક, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને પ્રધાન રહી ચૂકેલા પ્રકાશ મહેતા તેમ જ કોપોર્રેટર રહી ચૂકેલા પ્રવિણ છેડાનું નામ પણ લેવાઈ રહ્યું છે. જ્યારે બોરીવલીની બેઠક પર ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ દાવો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પક્ષ કોઈપણ પ્રકારની બળવો કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે છેલ્લી ઘડીએ નામ જાહેર કરે તેવી સંભાવના છે, પંરતુ નેતાઓ અને સમર્થકોની આતુરતા ચરમસીમાએ પહોંચી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button