આમચી મુંબઈ

‘તાત્કાલિક કાયદો બદલો’, મંગળવારે મહારાષ્ટ્રભરની બજાર સમિતિઓ બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બજાર સમિતિના પડતર પ્રશ્ર્નોના ઉકેલમાં સરકારની અવગણનાને કારણે રાજ્યના વેપારીઓમાં મોટા અસંતોષ ફેલાયો છે. વેપારીઓએ એવી માગણી કરી હતી કે બધા માટે એક સમાન કાયદો બનાવવામાં આવે, 1963ના જૂના કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે અથવા બજાર સમિતિ કાયદાને રદ કરવામાં આવે. આ માગણી માટે મુંબઈ સહિત રાજ્યની તમામ બજાર સમિતિઓ પાંચમી ડિસેમ્બરે એક દિવસ માટે બંધ રહેશે.

મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કાર્યવાહી સમિતિએ બુધવારે વિરોધ પાછળનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વેપારીઓના પ્રતિનિધિ મોહન ગુરનાની, ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાલી, ફામના જીતેન્દ્ર શાહ, પ્રતેશ શાહ, ફળ વેપારી સંગઠનના ચંદ્રકાંત ઢોલેએ વિરોધ પર પોતાનું વલણ રજૂ કર્યું હતું.

નવી મુંબઈ બજાર સમિતિ સહિત રાજ્યમાં દરેક જગ્યાએ વેપારીઓને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી. સરકારે બજાર સમિતિનું કાર્યક્ષેત્ર બજાર પૂરતું મર્યાદિત રાખ્યું છે.

બધા નિયમો બજારમાં વેપાર કરનારાઓને લાગુ પડે છે. જોકે, બજારની બહાર વેપાર કરનારાઓને કોઈ નિયમો લાગુ પડતા નથી. રાષ્ટ્રીય બજાર સમિતિના નામે વેપારીઓનું પ્રતિનિધિત્વ સમાપ્ત કરવાની યોજના છે. એક વર્ષ સુધી સરકાર સાથે ફોલોઅપ કરવા છતાં, વેપારીઓના મુદ્દાઓનું નિરાકરણ આવતું નથી, આ બધા મુદ્દાઓને લઈને વેપારીઓ એક દિવસનો રાજ્યવ્યાપી બંધ પાળશે.

દરેકને ખુલ્લા વેપારની મંજૂરી આપો

સરકારે 1963ના કાયદામાં સુધારો કરવો જોઈએ. રાષ્ટ્રીય બજારનું સંચાલન કરતી વખતે બજારવાર વેપારીઓને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. બજાર સમિતિ કાયદાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી, હવે એવી માગણી કરવામાં આવી છે કે બજાર સમિતિ કાયદાને જ રદ કરવામાં આવે અને દરેક માટે ખુલ્લા વેપારની મંજૂરી આપવામાં આવે.
આ માંગણી માટે પાંચમી ડિસેમ્બરે બજાર એક દિવસ માટે બંધ રહેશે. આ આંદોલનને કારણે ડુંગળી-બટાકા, ફળ બજાર, શાકભાજી બજાર, કઠોળ અને મસાલા બજારમાં લાખો રૂપિયાનું ટર્નઓવર બંધ રહેશે. પરિણામે, મુંબઈવાસીઓને અસર થશે.

કોણે શું કહ્યું?

  • બજાર સમિતિ કાયદો રદ કરવો જોઈએ અને દરેકને પ્રતિબંધ વિના વેપાર કરવાની મંજૂરી આપવી જોઈએ. -મોહન ગુરનાની, વેપારી પ્રતિનિધિ
  • સરકારના ભેદભાવપુર્ણ વર્તનનો વિરોધ કરવા માટે અને રાષ્ટ્રીય બજારમાં એપીએમસીને સ્થાન અપાવવા માટે આ બંધ પાળવામાં આવી રહ્યો છે- જિતેન્દ્ર શાહ, ફામ
  • રાષ્ટ્રીય બજાર સમિતિમાં વેપાર પ્રતિનિધિઓને સ્થાન આપવું જોઈએ. પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે પ્રતીકાત્મક બંધ પાળવામાં આવી રહ્યો છે. – ભીમજી ભાનુશાલી, પ્રમુખ, ગ્રોમા

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button