મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર, આજે થશે જાહેરાત
મુંબઇઃ લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. આજે મુંબઈમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મહાયુતિની બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે એમ જાણવા મળ્યું છે. કયો ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે એનો નિર્ણય બહુ જ વિચારવિમર્શ બાદ લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. એનડીએની આગેવાનીમાં ભાજપે એમાંથી 28 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિવસેના શિંદે જૂથ 14 બેઠક પર, એનસીપી (અજીત પવાર જૂથ) પાંચ બેઠક પર અને રાષ્ટ્રીય સમાજ પાર્ટી એક બેઠક પર ચૂંટણી લડશે. જો એમએનએસ (મનસે)ને બેઠક ફાળવવામાં આવશે તો ભાજપ અથવા શિંદે જૂથને ફાળે એકાદ ઓછી બેઠક આવશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના ફાળે નાગપુર, ભંડારા- ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુર, અકોલા, અમરાવતી, નાંદેડ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, નંદુરબાર, જળગાંવ, અહમદ નગર, બીડ, પુણે, ધુળે, ડિંડોરી, ભિવંડી, ઉત્તર મુંબઇ, ઉત્તર મધ્ય મુંબઇ, ઉત્તર પૂર્વ મુંબઇ, દક્ષિણ મુંબઇ, ઉત્તર મુંબઇ, રત્નાગિરી-સિંધુદુર્ગ અને રાવરની સીટ આવી શકે છે.
શિવસેના શિંદે જૂથને ફાળે રામટેક, બુલઢાણા, યવતમાળ, હિંગોલી, કોલ્હાપુર, હંથાકલંગાને, છત્રપતિ સંભાજીનગર, માવળ, શિરડી, પાલઘર, કલ્યાણ, થાણે, દક્ષિણ ઉત્તર મુંબઇ અને પશ્ચિમ મુંબઇની બેઠક આવી શકે છે.
એનસીપીને ફાળે રાયગઢ, બારામતી, શિરૂર, નાશિક, ધારાશિવ બેઠક આવી શકે છે.
રાષ્ટ્રીય સમાજ પાર્ટીના મહાદેવ જાનકર પરભણીથી ઉમેદવારી કરી શકે છે. ભાજપે 23 બેઠકો માટે ઉમેદવાર નક્કી કર્યા છે, પણ કેટલીક બેઠકો માટેના ઉમેદવારની પસંદગી કરવાની હજી બાકી છે.