મહાપરિનિર્વાણ દિનને ધ્યાનમાં રાખી ૧૪ વોર્ડમાં પાણીકાપ રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટને પાણી પુરવઠો કરનારી પાઈપલાઈન બદલવાનું કામ આવતી કાલે બુધવારથી ગુરુવારના ૨૪ કલાક દરમ્યાન કરવામાં આવવાનું હતું. તે માટે મુંબઈના ૧૪ વોર્ડમાં ૧૫ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે હવે બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુંબઈમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયી આવતા હોઈ તેને ધ્યાનમાં રાખીને પાણીકાપને રદ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રશાસનેે જાહેર કર્યું હતું.
તાનસા બંધમાંથી ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી ૨,૭૫૦ મિલીમીટર વ્યાસ તાનસા પાઈપલાઈનને બદલવાની છે. જૂની પાઈપલાઈન કાઢીને નવી પાઈપલાઈન નાખવાના કામ પણ કરવામાં આવવાના છે. તે માટે સાધારણ રીતે ૨૪ કલાકનો બ્લોક આવશ્યક છે. આ કામને કારણે ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટને થનારા પાણીપુરવઠામાં અંદાજે ૧૫ ટકાનો ઘટાડો થવાનો છે.
તેથી મુંબઈ શહેરના એ,સી, ડી, જી-દક્ષિણ, ઉ-ઉત્તર સહિત પશ્ર્ચિમ ઉપનગરમાં એચ-પૂર્વ, એચ-પશ્ર્ચિમ, કે-પશ્ર્ચિમ, પી-દક્ષિણ, પી-ઉત્તર, આર-દક્ષિણ, આર-સેન્ટ્રલ તેમ જ પૂર્વ ઉપનગરમાં એલ અને એસ વોર્ડમાં બુધવાર, ૩ ડિસેમ્બર,૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર ચાર ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠામાં ૧૫ ટકા પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સોમવારે પ્રશાસને આ પાણીકાપ રદ કરવાની જાહેરાત કરી હતી.



