મહાદેવ બેટિંગ ઍપ કેસ અભિનેત્રી તમન્ના ભાટિયાને સાયબર સેલના સમન્સ

મુંબઈ: મહાદેવ ઑનલાઈન ગૅમિંગ અને બેટિંગ ઍપ્લિકેશન પર આઈપીએલની મૅચો જોવાનું પ્રમોશન કરવાના પ્રકરણમાં ઍક્ટર્સ સંજય દત્ત અને જેક્લિન ફર્નાન્ડિસના મૅનેજર્સનાં નિવેદન નોંધ્યા પછી મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા અભિનેતા તમન્ના ભાટિયાને સમન્સ મોકલાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રી ભાટિયાને ૨૯ એપ્રિલે સાયબર સેલના અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. બેટિંગ ઍપ સંબંધિત ફેરપ્લે પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મૅચો જોવાનું કથિત પ્રમોશન કરવા બદલ મહારાષ્ટ્ર સાયબર સેલે ભાટિયાને સમન્સ મોકલાવી પૂછપરછ માટે બોલાવી છે. ૨૦૨૩માં આઈપીએલની અમુક મૅચો ઍપ પર ગેરકાયદે દર્શાવવામાં આવી હતી, જેને પગલે આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા માટે અભિનેત્રીને બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સાયબર સેલે અગાઉ સિંગર બાદશાહ અને અભિનેતા સંજય દત્ત તેમ જ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝના મૅનેજરોનાં નિવેદન નોંધ્યાં હતાં. ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અને બેટિંગ પ્રકરણે મહાદેવ ઍપ પ્રકરણની વિવિધ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)