મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને રૂ. 18 લાખની ઠગાઇ: આરોપી પકડાયો
મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. 18 લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા ફરિયાદી યુવકની જાન્યુઆરી, 2023માં દેવદાસ શિંદે સાથે મુલાકાત થઇ હતી. દેવદાસે તેને કહ્યું હતું કે મ્હાડાના અધિકારીઓ સાથે તેના સારા સંબંધ છે અને તેમની મદદથી મુલુંડ ટોલનાકા ખાતે મ્હાડા કોલોનીમાં સસ્તામાં ફ્લેટ મેળવી આપી શકે છે.
યુવકે દેવદાસ પર વિશ્ર્વાસ રાખીને ફ્લેટ માટે વખતોવખત રૂ. 18 લાખ ચૂકવ્યા હતા. જોકે પૈસા ચૂકવ્યા બાદ ઘણા દિવસો વીતી ગયા છતાં દેવદાસે તેને ફ્લેટ અપાવ્યો નહોતો. યુવકે દેવદાસનો સંપર્ક સાધી પૈસાની માગણી કરતાં તે તેને ટાળવા લાગ્યો હતો.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં યુવકે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં દેવદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ બીકેસી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો અને પોલીસે દેવદાસને બાદમાં ઝડપી પાડ્યો હતો.