મુંબઈમાં ઠંડીનું જોર વધશે મહાબળેશ્ર્વર ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં થોડા દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જોકે દિવસના સમયમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસમાં મુંબઈમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ દરમિયાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ટાઢુંબોળ થઈ ગયું હતું. અહીં દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો ૧૦.૬ ડિગ્રી નોંધાયો હતો.
મુંબઈમાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. તો સાંજના સમયે ઠંડા પવનો ફૂંંકવાની સાથે જ લઘુતમ તાપમાનનો પારો નીચે ઊતરી રહ્યો છે. ઉત્તર ભારતમાં આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે અને ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર અને મુંબઈ તરફ ઠંડા પવનો ફૂંકાવાને કારણે અહીં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
પહેલી ફેબ્રુઆરીથી લઘુતમ તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રીની આસપાસ રહેશે અને ત્યારબાદ ફરી લઘુતમ તાપમાનનો પારો ૧૭થી ૧૯ ડિગ્રીની આસપાસ જશે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે.
આ દરમિયાન પૂરા રાજ્યમાં સૌથી વધુ ઠંડી હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં રહી હતી. અહીં લઘુતમ તાપમાનનો પારો ૧૦.૬ ડિગ્રી નોંધાયો હતો. તો પુણેમાં ૧૦.૯, જળગાંવમાં ૧૧.૧ ડિગ્રી, સતારામાં ૧૧.૨ ડિગ્રી નાશિકમાં ૧૧.૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.