Assembly Election: મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવાનો વિપક્ષના નેતાઓનો દાવો…

મુંબઈ: આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ટાણે વિપક્ષી દળો તરફ ઝુકાવ ધરાવતા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ આજે કર્યો હતો.
આ પણ વાંચો : મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને 28 સીટો પર મતભેદ!
ચૂંટણી પંચ (ઇસીઆઈ)ની કામગીરીમાં કોઈ પારદર્શકતા નથી અને તેના અધિકારીઓ શાસક પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા હોવાનો દાવો પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ના નેતાઓએ કરી જણાવ્યું હતું કે એમવીએ દ્વારા ઇસીઆઈ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે, અને 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. વિપક્ષના નેતાઓએ અને ખાસ કરીને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાને હટાવવાની માંગ કરી હતી.
ઇસીઆઈના ફોર્મ નંબર સાતનો ઉપયોગ વિવિધ કારણોસર મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટે થાય છે, પણ હાલ એનો ઉપયોગ વિરોધ પક્ષો તરફ ઝુકાવ ધરાવતા મતદારોના નામ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ કરી પટોલેએ ઉમેર્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઈશારે થઈ રહ્યું છે.
ઇસીઆઈએ ફોર્મ નંબર 7 ન સ્વીકારવું જોઇએ એવો આગ્રહ રાખી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો પર એમવીએને સરસાઈ મળી હતી ત્યાં 2 હજાર 500થી 10 હજાર મતદારોને નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું આમારા ધ્યાનમાં આવ્યું છે.
આ પણ વાંચો : કૉંગ્રેસ જોતી રહી ગઇ અને ઠાકરેએ બાંદ્રા પૂર્વથી ઉમેદવારની જાહેરાત કરી દીધી
શિવસેના (યુબીટી)ના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ દાવો કર્યો હતો કે નાશિક સેન્ટ્રલ વિધાનસભા બેઠકની મતદાર યાદીમાંથી 6 હજાર મતદારોના નામ ગાયબ થઈ ગયા છે અને કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવવા છતાં કોઈ નોંધ નથી લેવામાં આવી. બીજી તરફ શાસક પક્ષોનું પ્રતિનિધિત્વ ધરાવતી ઔરંગાબાદ સેન્ટ્રલ અને સિલોદ બેઠકો પર લગભગ 27 હજાર મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
(પીટીઆઈ)