મુંબઈમાં પણ ધબકે છે એક મિની વારાણસી, જ્યાં કાર્તિકી પૂર્ણિમાના થાય છે મહાઆરતી…

આજે કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઊજવવામાં આવે છે અને ધરતી પરના સ્વર્ગ સમાન વારાણસીમાં ગંગા ઘાટ પર દીપમાળા કરીને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જો તમે સમય અને રજાના અભાવે વારાણસી ના જઈ શકો તો આ અદ્ભુત નજારો તમે મુંબઈમાં પણ જોઈ શકો છો… ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને જણાવીએ કઈ રીતે-
વાત જાણે એમ છે કે તમે આ અદ્ભુત નજારો વાલકેશ્વર ખાતે આવેલા બાણગંગા ખાતે જોઈ શકો છો. બાણગંગાને મુંબઈના મિની બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જગ્યાનો સંબંધ રામાયણ કાળ સાથે હોવાનું કહેવાય છે. 15મી નવેમ્બના સાંજે બાણગંગા ખાતે આ મહાઆરતીનું આયોજન થશે, જે જોવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે.
જીએસબી ટેમ્પલ ટ્રસ્ટ મુંબઈના 140 વર્ષ જૂની સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવે છે.
બાણગંગા ખાતે યોજાતી આ મહાઆરતીમાં હજારો દીપક પ્રગટાવવામાં આવે છે અને મહત્ત્વની વાત તો એ છે કે બાણગંગા ખાતે પણ વારણસીની જેમ જ મહાઆરતી અને ગંગા પૂજા કરવામાં આવે છે. આ જગ્યાનો સંબંધ રામાયણ કાળ સાથે હોવાનું પણ કહેવાય છે. ભગવાન શ્રીરામનો એક નિયમ હતો કે તેઓ દરરોજ લક્ષ્મણને કાશીથી શિવલિંગ લાવવા માટે મોકલતા હતા. ત્યાર બાદ ભગવાન શ્રીરામ એ શિવલિંગની પૂજા કરતાં હતા. એક દિવસ લક્ષ્મણને શિવલિંગ લાવવામાં મોડું થતાં ભગવાન શ્રીરામે માટીમાંથી જ શિવલિંગ બનાવીને તેની પૂજા કરી હતી એટલે આ જગ્યાનું નામ વાળુકેશ્વર પડ્યું અને આ આજે આ વિસ્તાર વાલકેશ્વરના નામે ઓળખાય છે.
આ પણ વાંચો : વારાણસીમાં ભાઈચારાની જોવા મળી મિસાલઃ મુસ્લિમ મહિલાઓએ રામની ઉતારી આરતી…
વાલકેશ્વર ખાતે શિવલિંગની સ્થાપના કર્યા બાદ ભગવાન શ્રીરામને તરસ લાગી. આવી સ્થિતિમાં તેમણે જમીનમાં બાણ માર્યું અને ધરતીમાંથી મીઠા પાણીની ધાર નીકળી અને એક તળાવ બની ગયું. આ રીતે આ તળાવનું નામ બાણગંગા પડ્યું. ઘણા લોકો આ જગ્યાને બનતીર્થ કે પાતાળગંગાને નામે પણ ઓળખે છે.