AC Localમાં ‘મફતિયા’ લોકો ટ્રાવેલ કરે છે? મધ્ય રેલવેએ જાહેર કર્યો Whatsapp number
મુંબઈઃ સબર્બનની લોકલ ટ્રેનોના એરકન્ડિશન્ડ (AC local train) અને ફર્સ્ટ-ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોની વધતી ફરિયાદોને લીધે મધ્ય રેલવે (Central Railway) મુંબઈ વિભાગે રવિવારે નિયમવિરુદ્ધ મુસાફરી અથવા મુસાફરોને પડતી અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પ્રથમ વખત એસી ટાસ્ક ફોર્સ શરૂ કરી છે.
પીક અવર્સ દરમિયાન મુસાફરોને સહાય પૂરી પાડવા માટે વોટ્સઅપ ફરિયાદ નંબર: ૭૨૦૮૮૧૯૯૮૭ રજૂ કરવામાં આવ્યો છે. આ નંબર ફક્ત મેસેજ કરવા માટે છે અને તેના પર કોઈ ફોન કૉલ્સ કરી શકાશે નહીં.
મધ્ય રેલવે તરફથી એક અખબારી નિવેદનમાં જણાવાયું છે કે, એસી લોકલની મુસાફરી સલામત અને આરામદાયક હોવાથી, એસી લોકલ સેવાઓ માટે મુસાફરો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પહેલનો હેતુ એસી લોકલ/ફર્સ્ટ ક્લાસ કોચમાં નિયમવિરુદ્ધ મુસાફરી સંબંધિત સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાનો છે, જે કિસ્સાઓમાં તાત્કાલિક સહાય પૂરી પાડવી શક્ય ન હોય, ત્યાં મુદ્દાને ઉકેલવા માટે બીજા દિવસે તપાસ હાથ ધરવામાં આવશે.
એસી લોકલ અને ફર્સ્ટ-ક્લાસ કોચમાં નિયમવિરુદ્ધ મુસાફરીના મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને તેના નિકાલની ખાતરી કરવા માટે એક વિશેષ મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી છે.
મધ્ય રેલવેનું મુંબઈ ઉપનગરીય નેટવર્ક તેની દૈનિક ૧,૮૧૦ સેવાઓ દ્વારા આશરે ૩.૩ મિલિયન મુસાફરોનું વહન કરે છે. મધ્ય રેલવે સીએસએમટી -કલ્યાણ વચ્ચે છ રેક સાથે દરરોજ ૬૬ એસી લોકલ સેવાઓ ચલાવે છે, જે દરરોજ આશરે ૭૮,૩૨૭ પ્રવાસી અવરજવર કરે છે.