મધ્ય પ્રદેશથી છ મહિનાના બાળકનું અપહરણ કરનારા પનવેલમાં ઝડપાયા
થાણે: મધ્ય પ્રદેશથી છ મહિનાના બાળકનું કથિત અપહરણ કરવાના કેસમાં થાણે પોલીસે બે મહિલા સહિત છ જણને નવી મુંબઈના પનવેલથી પકડી પાડી બાળકને છોડાવ્યો હતો.
કલ્યાણના ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગુંજાળે જણાવ્યું હતું કે મળેલી માહિતીને આધારે પનવેલ સેક્ટર-14 સ્થિત સિડકોની ઈમારતમાંથી શુક્રવારના મળસકે બાળકને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મળી હતી.
બાળકના અપહરણની ફરિયાદ મધ્ય પ્રદેશના રેવા જિલ્લામાં આવેલા સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં 7 મેના રોજ નોંધાઈ હતી. ઘર નજીકથી છ મહિનાના બાળકનું બાઈક પર અપહરણ કરવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશ પોલીસની તપાસમાં અપહરણ કરનારા આરોપી કલ્યાણ, શહાડ પરિસરમાં હોવાની માહિતી મળી હતી. આ માહિતી એમપી પોલીસે કલ્યાણ પોલીસને આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓની બે ટીમ તાત્કાલિક તપાસમાં લાગી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં બે મહિલા સહિત છ જણને પકડી પાડવામાં આવ્યાં હતાં. વધુ તપાસ માટે આરોપીને એમપી પોલીસને સોંપાયાં હતાં.